જામનગરમાં પૂરની વિકટ સ્થિતિ બાદ મૃત્યુઆંક 7 થયો, જૂના રેલવે સ્ટેશન નજીક વધુ એક મૃતદેહ મળ્યો
Jamnagar News : જામનગર જિલ્લામાં અનરાધાર વરસાદને પગલે સર્જાયેલા પૂરની વિકટ પરિસ્થિતિમા વધુ એક વૃદ્ધનું મૃત્યુ થતાં મૃત્યુઆંક સાત પર પહોંચી ગયો છે. આજે સવારે જૂના રેલવે સ્ટેશન નજીક પાણી ભરાયેલા ખાડામાંથી એક આધેડ વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો હતો. તેમની ઓળખ માટેની કાર્યવાહી શરુ કરવામાં આવી છે.
તાજેતરમા સ્થાનિક તંત્રએ ભારે વરસાદથી પૂરના પાણીમાં ફસાયેલા અનેક લોકોને બચાવવાની કામગીરી હાથ ધરી હતી, અને રાહત અને બચાવ કામગીરીમાં સામેલ ટીમે પૂરગ્રસ્ત વિસ્તારોમાં ફસાયેલા લોકોને ખોરાક, પાણી અને દવાઓ પહોંચાડ્યા હતા. પૂરના પાણીને કારણે અનેક ઘરો અને દુકાનો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. ખેતરોમાં પાણી ભરાઈ જવાથી ખેડૂતોને ભારે નુકસાન થયું છે.
જિલ્લા કલેક્ટર અને અન્ય વહીવટી તંત્રના અધિકારીઓ પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈને નુકસાની અંગે નિરીક્ષણ કરી રહ્યા છે. આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે સરકાર દ્વારા વિવિધ પગલાં લેવામાં આવી રહ્યા છે.