જાનૈયાઓથી ભરેલી બોલેરો પલટી જતાં હાહાકાર, જામનગર-રાજકોટ રોડ પર એકનું મોત, 10થી વધુ ઈજાગ્રસ્ત
Accident in Jamnagar : સિક્કા-સરમત વિસ્તારમાં રહેતો એક પરિવાર બોલેરોમાં લગ્નનો ચાંદલો લઈને બોટાદ જઈ રહ્યો હતો, દરમિયાન વહેલી સવારે ફલ્લાની ગોલાઈ પાસે અકસ્માત નડ્યો હતો અને બોલેરો પલટી મારી જતા તેમાં બેઠેલા 11 વ્યક્તિને નાની મોટી ઈજા થઈ હતી. જે પૈકી 1 જાનૈયાનું મૃત્યુ નીપજ્યું છે. પોલીસ વધુ તપાસ શરૂ કરી હતી.
આ બનાવની વિગત એવી છે કે જામનગર તાલુકાના સિક્કા-સરમત ગામના એક પરિવારના અને કુટુંબીજનોના અન્ય 11 જેટલા સભ્યો આજે વહેલી સવારે એક બોલેરોમાં બેસીને બોટાદ તરફ લગ્નનો ચાંદલો લઈને બોટાદ જઈ રહ્યા હતા.
જે દરમિયાન જામનગર-રાજકોટ ધોરી માર્ગ પર ફલ્લાની જોખમી ગોલાઈ પાસે વહેલી સવારે 5.30 વાગ્યાના અરસામાં બોલેરો પલટી મારી ગઈ હતી.
ઉપરોક્ત અકસ્માતમાં બોલેરોની અંદર બેઠેલા જાનૈયાઓએ ભારે ચીસાચીસ કરી મૂકી હતી. જેમાં માલાભાઈ પરમાર નામના 50 વર્ષના એક આઘેડનું ગંભીર ઇજા થવાના કારણે મૃત્યુ નીપજ્યું હતું.
આ ઉપરાંત બોલેરામાં બેઠેલા નાનજીભાઈ નારાયણભાઈ, તેમજ દિનેશભાઈ પરમાર, મનોજભાઈ પરમાર, નારણભાઈ પરમાર વગેરેને નાની મોટી ઈજા થઈ હોવાથી જુદી જુદી 108 નંબરની એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે જામનગરની જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જે તમામની સારવાર ચાલી રહી છે. આ અકસ્માતના બનાવની જાણ થતાં પંચકોશી એ.ડિવિઝનના પોલીસ સ્ટાફે ઘટના સ્થળે તેમજ જી.જી. હોસ્પિટલમાં દોડી ગયા હતા અને મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.