જામનગરના શહેરીજનોને મેઘરાજા ગઈકાલે વધુ એક વખત હાથ તાળી આપીને ચાલ્યા ગયા
image : Freepik
Monsoon Season in Jamnagar : જામનગર શહેરમાં ગઈકાલે ભારે મેઘા ડંબર છવાયું હતું, અને બપોરે મેઘ ગર્જના પણ થઈ હતી, અને આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયું હતું. ક્યાંક છૂટાછવાયા વરસાદી છાંટા પણ પડ્યા હતા.
પરંતુ મેઘરાજા હાથ તાળી આપીને ચાલ્યા ગયા હોવાથી નગરજનો નિરાશ થયા હતા. છેલ્લા ત્રણ દિવસથી શહેરમાં વરસાદી વાતાવરણ બનેલું રહે છે, પરંતુ મેઘરાજા મન મૂકીને વરસતા ન હોવાથી શહેરીજનો ઉકળાટ ભર્યા વાતાવરણથી તંગ બન્યા છે, અને મેઘરાજાની ચાતક નજરે રાહ જોઈ રહ્યા છે.
જામનગર જિલ્લાના ધ્રોળ, જોડીયા પંથકમાં તેમજ કાલાવડ અને લાલપુરના ગ્રામ્ય પંથકમાં ગઈકાલે પણ મેઘરાજાની પધરામણી થઈ હતી, અને અડધાથી દોઢ ઇંચ જેટલો વરસાદ પડી ગયાના અહેવાલો મળી રહ્યા છે.
જામનગર જિલ્લા કલેકટર કચેરીના કંટ્રોલરૂમના જણાવ્યા અનુસાર જામનગર જિલ્લાના જોડીયામાં ગઈકાલે સવારે 8.00 વાગ્યાથી આજે સવારે 8.00 વાગ્યા સુધીના 24 કલાકના સમયગાળા દરમિયાન 13 મી.મી. વરસાદ નોંધાયો હતો, જયારે ધ્રોળમાં 20 મી.મી. વરસાદ નોંધાયો છે. ઉપરાંત કાલાવડમાં 7 મી.મી., અને લાલપુરમાં ત્રણ મી.મી. વરસાદ નોંધાયો છે.
જામનગર જિલ્લાના ગ્રામ્ય પંથકમાં ગઈકાલે દિવસ દરમિયાન કાલાવડ તાલુકાના મોટા પાંચ દેવડામાં 32 મી.મી., નવાગામમાં 22 મીમી., નિકાવા ગામમાં 28 મી.મી., ખરેડી ગામમાં 16 મી.મી., અને મોટા વડાળામાં 10 મી.મી. વરસાદ નોંધાયો છે.
જોડિયા તાલુકાના બાલંભામાં 10 મી.મી., જ્યારે પીઠડ ગામમાં 12 મી.મી. વરસાદ નોંધાયો છે. લાલપુરના હરીપર અને મોડપર ગામના પણ વરસાદી ઝપટાં પડ્યા હતા.