કાલાવડમાં વીજબિલની વસૂલાત કરવા ગયેલા બે વીજ કર્મચારીઓ ઉપર હિચકારો હુમલો કરી દેવાતાં ભારે ચકચાર
Image Source: Freepik
જામનગર જિલ્લાના કાલાવડમાં એક દુકાનદાર ને ત્યાં વીજબિલની બાકી રોકાતી રકમની વસુલાત માટે ગયેલા બે વીજ કર્મચારીઓ ઉપર વેપારી બંધુઓ સહિતના ત્રણ શખ્સોએ દુકાનમાં પૂરી દઈ આડેધડ માર મારી માથામાં સોડા બોટલ નો ઘા કરી માથું ફોડી નાખવા અંગે, અને ફરજ માં રૂકાવટ કરવા અંગેની ફરિયાદ કાલાવડ પોલીસ મથકમાં નોંધાવાઇ છે. પોલીસ ટુકડીએ તાબડતોબ ઘટના સ્થળે દોડી ગયા પછી આરોપીઓને અટકાયતમાં લીધા છે, અને દુકાનમાં રહેલા સીસીટીવી કેમેરાના વિડીયો ફૂટેજ પણ મેળવ્યા છે.
હુમલા ના આ બનાવની વિગત એવી છે કે મૂળ સુત્રાપાડા ના વતની અને હાલ કાલાવડ પીજીવીસીએલમાં વિદ્યુત સહાયક તરીકે સરકારી નોકરી કરતા બચુભાઈ ગોવિંદભાઈ સોલંકી તથા તેની સાથે પીજીવીસીએલના જ એપ્રેન્ટીસ એવા રાહુલગીરી ભરતગીરી ગોસ્વામી, કે જેઓ બન્ને બાકી રોકાતા નાણાંની ઉઘરાણી કરવા માટે કાલાવડ ટાઉનમાં જ ધોરાજી રોડ ઉપર આવેલી સ્વીટ પાન નામની દુકાન, કે જેના સંચાલકો નવાજ બાબી, હુસેન બાબી અને જુનેદ રાવ વગેરે દ્વારા વિજ બિલ ના નાણાં ભર્યા ન હતા.
જેઓનું જૂનું ૧૩,૦૦૦ થી વધુનું ચૂકણવું બાકી હતું, ત્યારબાદ નવું વીજબિલ પણ આવી ગયું હતું, જેથી બાકી રકમની વસુલાત માટે બંને કર્મચારીઓ ઉપરોક્ત દુકાને ગયા હતા.
દરમિયાન બંને ભાઈઓ અને તેની સાથેના અન્ય સાગરિતે ભેગા મળીને બંને વીજ કર્મચારીઓને દુકાનની અંદર બોલાવી દુકાન બંધ કરી પુરી દીધા હતા, અને તેઓને અટકાયતમાં રાખ્યા પછી હિચકારો હુમલો કરવામાં આવ્યો હતો. ઉપરાંત દુકાનમાં રહેલી કાચની બોટલ લઈને રાહુલ ગીરી ના માથા પર હુમલો કરી દેતાં તે લોહી લુહાણ બન્યો હતો, અને સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલમાં ખસેડાયો હતો.
આ સમગ્ર મામલાને કાલાવડ પોલીસ મથકમાં લઈ જવામાં આવ્યો છે, અને વિદ્યુત સહાયક બચુભાઈ ગોવિંદભાઈ સોલંકીએ પોતાના ઉપર તથા સાથી કર્મચારી પર હુમલો કરી ફરજમાં રૂકાવટ કરવા અંગે તેમજ ફરીથી બિલ ના પૈસા લેવા આવશે, તો જાનથી મારી નાખશે, તેવી ધમકી આપવા અંગે નવાજ બાબી, હુસેન બાબી અને જુનેદ રાવ સામે ફરિયાદ નોંધાવી છે.
આ બનાવની જાણ થતાં પીએસઆઇ જે.એસ.ગોવાણી પોતાની ટીમના મયુરસિંહ જાડેજા વગેરેની સાથે બનાવના સ્થળે પહોંચી ગયા હતા, અને આરોપીઓને અટકાયતમાં લીધા છે, જ્યારે દુકાનની અંદર લગાવેલા સીસીટીવી કેમેરામાં હુમલાની સમગ્ર ઘટના કેદ થઈ ગઈ હોવાથી તેના ફૂટેજ પણ મેળવી લીધા છે.