જામનગરમાં ભીમવાસ વિસ્તારમાં દારૂના ધંધાર્થીની અટકાયત કરવા ગયેલી પોલીસ પર હુમલો : ફરજમાં રૂકાવટ
Bootlegger Attack on Police at Jamnagar : જામનગરમાં ભીમવાસ વિસ્તારમાં એક દારૂના ધંધાર્થી સામે અટકાયતી પગલાં ભરવા ગયેલી પોલીસ પાર્ટી પર હુમલો કરાયો છે. દારૂના ધંધાર્થી અને તેના ભાઈ-ભાભીએ પથ્થર ઉપાડી જપાજપી કરી પોલીસ પાર્ટી પર હુમલો કર્યો હતો, તેમજ પોલીસે ઘરમાં આવીને પૈસા માંગ્યા છે તેમ જણાવી ઝેરી દવા પી લેવાનો ભય બતાવ્યો હતો.
દરમિયાન ફરજ પર રહેલા એ.એસ.આઇ. અને પોલીસ હેડકોન્સ્ટેબલે પોતાના ઉચ્ચ અધિકારીને સ્થળ પર બોલાવી લીધા હતા, અને દારૂના ધંધાર્થી તેમજ તેના ભાઈ-ભાભી સામે ફરજમાં રૂકાવટ અંગેનો ગુનો નોંધ્યો છે. આ ઝપાઝપી દરમિયાન દારૂનો ધંધાર્થી ઇજાગ્રસ્ત બન્યો હોવાથી તેને જી.જી. હોસ્પિટલમાં સારવાર અપાઇ છે.
આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગરની હનુમાન ગેઇટ પોલીસ ચોકીમા એ.એસ.આઈ. તરીકે ફરજ બજાવતા સરમણભાઇ રામાભાઇ ચાવડા પોતાના સાથે હેડ કોન્સ્ટેબલ જગદીશભાઇ સોચાને લઈને જામનગરના નવાગામ ઘેડ વિસ્તારમાં રહેતા એક દારૂના ધંધાર્થી સુનિલ ઉર્ફ ધમો વિપુલભાઈ ધવળ કે જેની સામે લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને અટકાયતી પગલા ભરવાની કાર્યવાહી માટે ગયા હતા.
જે દરમિયાન આરોપી સુનિલ પોતાના ઘરમાં હાજર હતો, અને પોલીસ સાથે જવાની ના પાડીને તકરાર કરી હતી. જે દરમિયાન તેનો ભાઈ આકાશ વિપુલભાઈ ધવળ અને તેના ભાભી જે બંને પણ ધસી આવ્યા હતા, અને ફરજ પર હાજર રહેલા બંને પોલીસ કર્મચારીઓ સાથે જપાજપી કરી હતી. જેમાં સુનિલ પથ્થર ઉપાડીને પોલીસ કર્મચારી પર મારવાનો પ્રયત્ન કર્યો હતો, જે દરમિયાન બીજા પોલીસ કર્મચારીએ તેને પકડી રાખ્યો હતો. આ બબાલ સમયે પોલીસે પોતાના મોબાઈલ ફોનમાં વિડીયો પણ બનાવ્યો હતો.
જે મોબાઈલ ઝુંટવાનો પણ ત્રણેયએ પ્રયાસ કર્યો હતો, તેમજ પોલીસ મારા ઘરે આવીને પૈસા માંગી રહી છે, તેવો આક્ષેપ કરીને ઝેરી દવા પી લેવાનો ભય બતાવ્યો હતો. તેથી ફરજ પર રહેલા એએસઆઈ એસ.આર.ચાવડા તુરત જ પોતાના અધિકારીને જાણ કરતાં પી.એસ.આઇ. ડી.જી.રાજ અન્ય પોલીસ સ્ટાફ સાથે ઘટના સ્થળે દોડી આવ્યા હતા, અને સમગ્ર ઘટનામાં આરોપી સુનિલ જમીનપર પટકાઈ પડ્યો હોવાથી તેને કપાળમાં લાગ્યું હતું અને ઇજાગ્રસ્ત બન્યો હતો. તેથી 108ની ટીમને સ્થળ પર બોલાવાઈ હતી, અને સુનિલને સારવાર માટે જીજી હોસ્પિટલમાં લઈ જવાયો હતો.
જયારે એ.એસ.આઈ સરમણભાઇ ચાવડાએ પોતાની તેમજ પોતાની સાથેના હેડ કોન્સ્ટેબલ જગદીશભાઈ સોચાની ફરજમાં રૂકાવટ ઉભી કરવા અંગે તેમજ માર મારવા અંગે સુનિલ ઉર્ફે ધમો વિપુલભાઈ ધવળ તેના ભાઈ આકાશ વિપુલભાઈ અને તેના ભાભી સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે આઈપીસી કલમ 332, 353, 186, 604 અને 114 મુજબ ગુનો નોંધ્યો છે. આ બનાવને લઈને ભારે ચકચાર જાગી છે. જ્યારે સમગ્ર ઘટના સમયે આસપાસના લોકોનું ટોળું પણ એકત્ર થયું હતું.