જામનગર નજીક બેડમાં રામ મંદિરે ભરાતા મેળામાં કટલેરી નો સામાન વેચવા ગયેલા દંપત્તિ પર હુમલો
Image: Freepik
જામનગર નજીક બેડમાં રામ મંદિર પાસે ભરાતા મેળામાં કટલેરી નો માલ સામાન વેચવા માટે ગયેલા જામનગરના એક દંપતિને રસ્તે ચાલવાના પ્રશ્ન બે સ્થાનિકોએ લાકડી વડે માર માર્યો હતો, અને આંખમાં મરચાની ભૂકી છાંટી માલસામાન વેરણ છેરણ કરી નાખી રૂપિયા ૪૦ હજારનું નુકસાન કર્યા ની ફરિયાદ પોલીસમાં નોંધાવાતાં ચકચાર જાગી છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં દરબારગઢ વિસ્તારમાં રહેતી અને કટલેરી નો માલ સામાન વેચવાનો વ્યવસાય કરતી ચાંદની બેન નીતિનભાઈ (ઉંમર વર્ષ ૨૯) કે જે વેપારી મહિલા રામનવમીના તહેવારના દિવસે બેડ માં આવેલા રામના મંદિરની પાસે ભરાતા મેળામાં પોતાના પતિ સાથે કટલેરી નો માલ સામાન વેચવા માટે ગઈ હતી, અને મંદિર નજીક પથારો પાથરીને માલ સામાનનું વેચાણ કરી રહ્યા હતા.
જે દરમિયાન તેઓના માલ સામાનની બાજુમાં રસ્તો ન હોવા છતાં ક્રિપાલસિંહ અને અરુણ નામના બે સ્થાનિક શખ્સો પથારા પાસેથી પસાર થયા હતા. જેથી ચાંદનીબેન અને તેના પતિએ અહીંથી પસાર થવાની ના પાડતાં બંને શખ્સો ઉસકેરાઈ ગયા હતા, અને તેઓએ પોતાની પાસે રહેલી મરચાની ભૂકી દંપતિની આંખોમાં છાંટી હતી.
ત્યારબાદ લાકડી વડે હુમલો કરી દંપત્તિને ઘાયલ કર્યા હતા, અને તેઓનો કટલેરી નો માલ સામાન વેરણ છેરણ કરી નાખી અંદાજે ૪) હજાર રૂપિયાનું નુકસાન પહોંચાડયું હતું. જેથી સમગ્ર મામલો સિક્કા પોલીસ મથકમાં લઈ જવાયો હતો, અને બંને શખ્સો સામે ફરિયાદ નોંધાવતાં સિક્કા પોલીસે આઈપીસી કલમ ૩૨૩,૫૦૪,૫૦૬-૨,૪૨૭ અને જીપીએકટ કલમ ૧૩૫-૧ મુજબ ગુન્હો નોંધ્યો છે, અને હુમલા બાદ આરોપીઓ ભાગી છૂટયા હોવાથી તેઓની શોધખોળ ચલાવવામાં આવી રહી છે.