જામનગરના કાલાવડમાં વીજબિલની વસૂલાત કરવા ગયેલા બે વીજ કર્મચારીઓ પર હુમલો, ઘટનાનો વિડીયો વાયરલ

Updated: Aug 12th, 2024


Google NewsGoogle News
જામનગરના કાલાવડમાં વીજબિલની વસૂલાત કરવા ગયેલા બે વીજ કર્મચારીઓ પર હુમલો, ઘટનાનો વિડીયો વાયરલ 1 - image


Jamnagar Crime : જામનગર જિલ્લાના કાલાવડમાં એક દુકાનદારને ત્યાં વીજબિલની બાકી રોકાતી રકમની વસુલાત માટે ગયેલા બે વીજ કર્મચારીઓ ઉપર વેપારી બંધુઓ સહિતના ત્રણ શખ્સોએ દુકાનમાં પૂરી દઈ આડેધડ માર મારી માથામાં સોડા બોટલનો ઘા કરી માથું ફોડી નાખવા અંગે અને ફરજમાં રૂકાવટ કરવા અંગેની ફરિયાદ કાલાવડ પોલીસ મથકમાં નોંધાવાઇ હતી. જે ગુનામાં એક વેપારી આરોપીની અટકાયત કરી લેવાઇ છે. જયારે તેનો ભાઈ સગીર હોવાથી તેને નોટિસ અપાઇ છે. ઉપરાંત ત્રીજા આરોપીની શોધખોળ ચલાવાઈ રહી છે.

આ બનાવની વિગત એવી છે કે મૂળ સુત્રાપાડાના વતની અને હાલ કાલાવડ પીજીવીસીએલમાં વિદ્યુત સહાયક તરીકે સરકારી નોકરી કરતા બચુભાઈ ગોવિંદભાઈ સોલંકી તથા તેની સાથે પીજીવીસીએલના જ એપ્રેન્ટીસ એવા રાહુલગીરી ભરતગીરી ગોસ્વામી કે જેઓ બન્ને બાકી રોકાતા નાણાંની ઉઘરાણી કરવા માટે કાલાવડ ટાઉનમાં જ ધોરાજી રોડ ઉપર આવેલી સ્વીટ પાન નામની દુકાને ગયા હતા. કે જેના સંચાલકો નવાજ બાબી, હુસેન બાબી અને જુનેદ રાવ વગેરે દ્વારા બંને વીજ કર્મચારીઓને દુકાનમાં પૂરી દઈ ઢોર માર્યો હતો અને સોડા વોટર હુમલો કરી માથું ફોડી નાખ્યો હતો.

આ સમગ્ર મામલાને કાલાવડ પોલીસ મથકમાં લઈ જવામાં આવ્યો હતો, અને વિદ્યુત સહાયક બચુભાઈ ગોવિંદભાઈ સોલંકીએ પોતાના ઉપર તથા સાથી કર્મચારી પર હુમલો કરી ફરજમાં રૂકાવટ કરવા અંગે તેમજ ફરીથી બિલના પૈસા લેવા આવશે તો જાનથી મારી નાખશે તેવી ધમકી આપવા અંગે નવાજ બાબી, હુસેન બાબી અને જુનેદ રાવ સામે ફરિયાદ નોંધાવી હતી.

જે ફરિયાદના અનુસંધાને કાલાવડ ટાઉન પીએસઆઇ પોતાની ટીમ સાથે બનાવના સ્થળે પહોંચી ગયા હતા અને દુકાનની અંદર લગાવેલા સીસીટીવી કેમેરામાં હુમલાની સમગ્ર ઘટના કેદ થઈ ગઈ હોવાથી તેના ફૂટેજ પણ મેળવી લીધા છે. જ્યારે હુમલાખોર વેપારી બંધુઓ પૈકીના નવાજ બાબીને અટકાયત કરી લીધી છે. જ્યારે તેનો ભાઈ સગીર હોવાથી તેને નોટિસ અપાઇ છે, ઉપરાંત જુનેદ રાવ નામનો ત્રીજો આરોપી ભાગી છૂટ્યો હોવાથી પોલીસ ટુકડી તેને શોધી રહી છે.


Google NewsGoogle News