જામનગરમાં નાગનાથ ગેઈટ વિસ્તારમાં કેનાલમાં પટકાઈ પડેલા બુઝુર્ગનું સારવાર દરમિયાન અપમૃત્યુ
Image Source: Freepik
જામનગર, તા. 21 જાન્યુઆરી 2024, રવિવાર
જામનગરમાં નાગનાથ ગેઇટ વિસ્તારમાં બે દિવસ પહેલાં રાત્રિના સમયે ખુલ્લી કેનાલમાં એક બુઝુર્ગ પટકાઈ પડ્યા હતા, અને બેશુદ્ધ બન્યા હતા. તેઓને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડાયા પછી તેઓનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજયું છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં નાગનાથ ગેઇટ વિસ્તારમાં આવેલી ખુલ્લી કેનાલમાં બે દિવસ પહેલાં રાત્રી ના સમયે એક બુઝુર્ગ ખાબક્યા હતા અને બેશુદ્ધ બન્યા હતા. જેઓને ફાંયર બ્રિગેડની ટુકડીએ બહાર કાઢ્યા હતા અને 108ની ટિમ મારફતે સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં પહોંચાડ્યા હતા.
આ બનાવ અંગે પોલીસને માહિતી મળતાં સીટી બી. ડિવિઝન પોલીસે જી.જી. હોસ્પિટલમાં દોડી ગયા પછી તેની ઓળખ કરવા માટેની કાર્યવાહી હાથ ધરી હતી. જે દરમિયાન તેમનું નામ છગનભાઈ ભીખાભાઈ પરમાર (ઉંમર વર્ષ 68) અને ઇન્દિરા ગાંધી કોલોની શેરી નંબર -2 માં રહેતા હોવાનું જાણવા મળ્યું હતું.
ત્યારબાદ તેઓનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે પોલીસે મૃતકના સંબંધી પ્રવીણભાઈ મનજીભાઈ પરમારનું નિવેદન નોંધ્યું હતું અને પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.