જામનગરમાં ચેક પરત ફરવાના કેસમાં તેલના વેપારીને અઢાર માસની જેલ સજા
જામનગર,તા.16 માર્ચ 2024,શનિવાર
જામનગર તાલુકાના ધુડસીયા ગામના વેપારીને આપવામાં આવેલ રૂ.3 લાખ 17 હજારની રકમનો ચેક પરત ફરવાના કેસમાં તેલના વેપારીને 18 માસની સજાનો અદાલતે આદેશ કર્યો છે.
ધુડસીયા મુકામે રહેતા અને મીની ઓઈલ મીલ ધરાવતા સંજયભાઈ બચુભાઈ માઘાણી પાસેથી તેલના વેપારી નિલેશકુમાર બાબુભાઈ બાવસીયાને ધંધાના વિકાસ અર્થે નાણાંની જરૂરીયાત ઉભી થતા સંબંધદાવે હાથઉછીના રૂા.3,17,000 રકમ મેળવી હતી. જેની પરત ચૂકવણી માટે નિલેશકુમાર બાબુભાઈ બાવસીયા દ્વારા ચેક આપવામાં આવ્યો હતો. જે ચેક અપુરતા નાણા ભંડોળના કારણે પરત ફરતો હતો. જેથી સંજયભાઈ દ્વારા જામનગરની અદાલતમાં ધી નેગોશીયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ મુજબની ફરીયાદ દાખલ કરવામાં આવી હતી., જે કેસ જામનગરના સાતમા એડી.ચીફ જયુડી.મેજીસ્ટ્રેટ વિજય ગઢવીની અદાલતમાં ચાલી જતાં અદાલત દ્વારા આરોપી નિલેશકુમાર બાબુભાઈ બાવસીયાને અઢાર માસની સાદી કેદની સજા અને ચેકની રકમ રૂા.3,17,000 પુરા ફરીયાદીને ચુકવવાનો હુકમ કર્યો હતો. જો ઉપરોકત રકમ ભરપાઈ ન કરે તો વધુ એક માસની સાદી કેદની સજાનો હુકમ કરેલ છે.