Get The App

જામનગર નજીક આવેલી ખાનગી બી.એડ. કોલેજમાં ફીના મામલે વિદ્યાર્થીઓ સાથે છેતરપિંડીનો NSUIનો આરોપ.!

Updated: Sep 11th, 2024


Google NewsGoogle News
જામનગર નજીક આવેલી ખાનગી બી.એડ. કોલેજમાં ફીના મામલે વિદ્યાર્થીઓ સાથે છેતરપિંડીનો NSUIનો આરોપ.! 1 - image


Jamnagar News : જામનગરની ભાગોળે આવેલી મીનાક્ષીબેન દવે બી.એડ.કોલેજના સંચાલક વિરુદ્ધ પ્રવેશ ફીના મામલે છેતરપિંડી કરવા અંગે એન.એસ.યૂ. આઈ. દ્વારા વિરોધ પ્રદર્શિત કરી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરને લેખિતમાં ફરિયાદ કરી છે. 

કોલેજ દ્વારા વિદ્યાર્થીઓ પાસેથી ફી વસૂલી લેવામાં આવી હતી, પરંતુ એડમિશન પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી નહીં, જેથી કોલેજ સંચાલક સામે યોગ્ય કાર્યવાહી કરવા સંબંધે પંચકોશી બી. ડિવિઝન પોલીસ મથકમાં પણ ફરિયાદ અરજી કરવામાં આવી છે.

એન.એસ.યુ.આઈ.ના જણાવ્યા મુજબ, સોલંકી ફોરમ નામની વિદ્યાર્થીની અને લખાના કુરકાન નામના વિદ્યાર્થીએ લેખિત ફરિયાદ કરી હતી, કે કોલેજે તેમની પાસેથી 15,000 રૂપિયાની એડવાન્સ ફી અને ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ લીધા હતા. વારંવારની રજૂઆતો બાદ ડોક્યુમેન્ટ્સ પરત કરવામાં આવ્યા હતા, પરંતુ ફી પરત કરવામાં આવી નથી.

 એન.એસ.યૂ.આઈ.ના આરોપ મુજબ, કોલેજ મેનેજમેન્ટ વિદ્યાર્થીઓના ડોક્યુમેન્ટ્સ ગેરકાયદેસર રીતે રાખી રહી છે અને ડોનેશન લેવા જેવી પ્રવૃત્તિઓ કરી રહી છે. કોલેજમાં પૂરતો સ્ટાફ ન હોવા અને મેનેજમેન્ટ ક્વોટાના નામે ડોનેશન ઉઘરાવવા જેવા ગંભીર આરોપો પણ લગાવવામાં આવ્યા છે. 

એન.એસ.યૂ.આઈ.એ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને આ મામલે તપાસ કરવા અને વિદ્યાર્થીઓને ન્યાય અપાવવા માટે વિનંતી કરી છે.

 આ ઉપરાંત યુવક કોંગ્રેસના પ્રમુખ ડો.તોસિફખાન પઠાન અને મહિપાલસિંહ જાડેજા વગેરેએ આ મામલે પંચકોષી બી. ડિવિઝન પોલીસ મથકમાં પણ અરજી કરીને કોલેજના સંચાલક જયવીન દવે સામે યોગ્ય કાર્યવાહી કરવાની માંગણી કરી છે.


Google NewsGoogle News