જામનગર શહેર અને નજીકના વિસ્તારના એક પણ ગેમ ઝોન દ્વારા ફાયર એન.ઓ.સી. અથવા જરૂરી લાયસન્સ મેળવાયું નથી
Image Source: Freepik
જામનગર શહેરમાં જુદા જુદા 14 જેટલા ગેમઝોન, વિડીયો પાર્લર વગેરે આવેલા છે, અને તે સ્થળે ક્યાંક બાળકો માટેની નાની મોટી રાઈડ ચાલી રહી છે, અથવા તો વિડીયો ગેમ મશીનો વગેરે મૂકીને બાળકોને ગેમ રમવા માટેની વ્યવસ્થા કરાઇ છે.
પરંતુ એક પણ સ્થળે જામનગર મહાનગરપાલિકાના ફાયર વિભાગની એનઓસી લેવામાં આવી નથી, ઉપરાંત યાંત્રિક રાઈડ સંબંધે મેળવાતાં જરૂરી સર્ટિફિકેટ, ઈલેક્ટ્રીક વિભાગ ની એન.ઓ.સી. કે કોઈપણ પ્રકારની મંજૂરી લેવામાં આવી ન હોવાનું જાણવા મળી રહ્યું છે.
એકમાત્ર જામનગર મહાનગરપાલિકા સંચાલિત એમ્યુઝમેન્ટ પાર્કમાં યાંત્રિક રાઈડની અગાઉ મંજૂરી અને એન.ઓ.સી. લેવામાં આવી હતી, પરંતુ હાલ ત્યાં મનોરંજનની રાઈડ બંધ છે.
જ્યારે જામનગર નજીક આવેલા જેસીઆર માં મનોરંજનની બાળકોની નાની રાઇડ ચાલુ છે. પરંતુ ગેમઝોન ની અલગથી અથવા તો અન્ય કોઈ જરૂરી મંજૂરીકે એન.ઓ.સી. લેવામાં આવી નથી. એક માત્ર સમગ્ર એરિયા ની ફાયર ની એન.ઓ.સી. લેવાઈ છે. જેની પણ ચકાસણી થઈ રહી છે.
જયારે જામનગરમાં લાખોટા તળાવની પાળ વિસ્તારમાં બાળકોની રાઇડ ચાલી રહી છે, જેની એક પણ પ્રકારની મંજૂરી નથી. જ્યારે શહેરના ખોડિયાર કોલોની સહિતના અન્ય ખાનગી પ્લોટમાં ચાલતી બાળકોની રાઈડ અથવા અન્ય ગેમઝોનની મંજૂરી મેળવાઈ નથી, અને હાલ તમામ બંધ કરવાના આદેશો થયા છે.