અનંતની ઈમોશનલ સ્પીચ સાંભળી મુકેશ અંબાણી ભાવુક થયા
- મેં સમાજને કંઈ પાછું આપવા વનતારા કાર્યક્રમ શરૂ કર્યો છે: અનંત અંબાણી
જામનગર : જામનગરમાં શુક્રવારથી અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનું પ્રિ વેડિંગમાં એક ખાસ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ દરમિયાન અનંત અંબાણીએ પરિવારજનો, દેશવિદેશના બિઝનેસ ટાયકૂન, બોલિવૂડ સેલિબ્રિટી તેમજ રમતગમત ક્ષેત્રની હસ્તીઓને સંબોધીને એક ઈમોશનલ સ્પીચ આપી હતી. ત્યારે પુત્રની વાતો સાંભળીને મુકેશ અંબાણી ખુશીના આંસુ રોકી શક્યા ન હતા. જામનગરના ખાવડી ગામમાં બીજી માર્ચે 'એ વૉક ઓન ધ વાઈલ્ડસાઈડ' નામનો કાર્યક્રમ યોજાયો હતો. આ દરમિયાન અનંત અંબાણીએ મહેમાનોને આવકારીને કહ્યું હતું કે, 'હું મારી માતાનો ખાસ આભાર માનું છું. આ બધી વ્યવસ્થા મારી માતાએ કરી છે, જે છેલ્લા ચાર મહિનાથી રોજ રોજ ૧૮-૧૯ કલાક સુધી આ તૈયારીમાં વ્યસ્ત હતા. થેંક્યુ મમ્મા. મને અને રાધિકાને સ્પેશિયલ ફિલ કરાવવા જામનગર સુધી આવેલા તમામ મહેમાનોનો હું આભાર માનું છું.'
આ સ્પીચ આગળ વધારતા અનંત અંબાણીએ મહેમાનોની સાથે માતાપિતા, ભાઈ-ભાભી અને બહેન બનેવીનો પણ આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે, 'ઘણાં લોકોને ખ્યાલ નહીં હોય કે મારું જીવન હંમેશા સરળ નથી રહ્યું. બાળપણમાં મેં આરોગ્યને લગતી ઘણી મુશ્કેલીઓ સહન કરી, પરંતુ મારા માતાપિતાએ મને ક્યારેય એવું ના લાગવા દીધું કે, હું પીડાઈ રહ્યો છું. મારા માતાપિતાએ મને હંમેશા સાથ આપ્યો.' આ વાત સાંભળતા જ મુકેશ અંબાણી તેમના આંસુ રોકી શક્યા ન હતા.
રાધિકા વિશે વાત કરતા અનંત અંબાણીએ કહ્યું કે, 'હું સો ટકા નસીબદાર છું. મને પણ ખ્યાલ નથી કે કેવી રીતે રાધિકા મળી, હું અને રાધિકા છેલ્લા સાત વર્ષથી સાથે છીએ. આમ છતાં મને એવું જ લાગે છે કે હું તેને ગઈકાલે જ મળ્યો. હું રોજેરોજ તેના વધુને વધુ પ્રેમમાં પડી રહ્યો છું.' ત્યાર બાદ અનંતે રાધિકા અને તેના પરિવારનો આભાર માનતા કહ્યું હતું કે, 'મને તમારા પરિવારમાં ઉમળકાથી સ્વાગત કરવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.' આ પ્રસંગે અનંત અંબાણીએ તેમના દાદી અને નાનીને પણ યાદ કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, 'મારા દાદી અને નાનીએ પણ મને ઘણું શીખવ્યું છે. મારા દાદી મારો પ્રેરણા સ્ત્રોત છે. મારા દાદા જ્યાં પણ હશે, ત્યાંથી મને આશીર્વાદ આપતા હશે. જો કે નાનપણમાં મેં નાની સાથે ઘણો સમય વીતાવ્યો છે. મેં સમાજને કંઈ પાછું આપવા વનતારા કાર્યક્રમ શરૂ કર્યો છે. મારા દાદા કહેતા કે, ડેર ટુ ડ્રીમ, અને મેં પણ સપનું જોયું અને સાકાર કરી બતાવ્યું. હું એ વિશે બહુ વાત નહીં કરું, પરંતુ તમે પોતે જ એનો અનુભવ કરો...'
અનંતમાં મને મારા પિતાની ઝલક દેખાય છે: મુકેશ અંબાણી
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રિ વેડિંગ ફંક્શનમાં આખું જામનગર વિશ્વભરમાં ચમકી રહ્યું છે. ત્રણ દિવસના આ કાર્યક્રમમાં પહેલી માર્ચે કૉકટેલ પાર્ટીનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમ દરમિયાન ડ્રોન શો, મુકેશ અંબાણી અને અનંત અંબાણીની પરિવાર માટે ભાવુક સ્પિચ અને સૌથી મહત્ત્વનું આકર્ષણ આંતરરાષ્ટ્રીય પોપ સિંગર રિહાનાનું ધમાકેદાર પર્ફોર્મન્સ રહ્યું હતું. આ કાર્યક્રમમાં દેશવિદેશના મહેમાનો બ્લેક એન્ડ વ્હાઈટ લૂકમાં જોવા મળ્યાં હતાં.આ દરમિયાન અનંત અંબાણીના ડ્રીમ પ્રોજેક્ટ 'વનતારા'ને હજારોની સંખ્યામાં ડ્રોન ઉડાવીને આકાશમાં દેખાડાયો હતો, જેમાં વનતારાનાં તમામ પ્રાણીઓ જોવા મળ્યાં હતાં. પ્રથમ દિવસે મુકેશ અંબાણીએ મંચ ઉપરથી સ્પિચ આપી તમામ મહેમાનોનું સ્વાગત કરીને આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, 'મહેમાન ભગવાન સમાન હોય છે અને ભારતીય પરંપરામાં અમે એટલે જ અતિથિ દેવો ભવ: કહીએ છીએ. આપ સૌએ આ પ્રસંગને મંગલમયી બનાવી દીધો છે, નવદંપતિને તમારા આશીર્વાદ આપજો. આજે મારા પિતા ધીરુભાઈ ઉપરથી આપણને સૌને આશીર્વાદ આપી રહ્યા છે. મને ખાતરી છે કે તેઓ આજે ખૂબ ખુશ હશે કારણ કે આપણે સૌ તેમના પ્રિય પૌત્ર અનંતના જીવનના સૌથી ખાસ પળોની ઉજવણી કરી રહ્યાં છીએ.' આ વાત આગળ વધારતા તેમણે જણાવ્યું કે, 'મને અનંતમાં અનંત શક્તિ દેખાય છે, જ્યારે પણ અનંતને જોઉં છું તો મને તેનામાં મારા પિતાની ઝલક દેખાય છે. અનંતની વિચારધારા બિલકુલ મારા પિતા જેવી જ છે. તેઓ કહેતા કે, દુનિયામાં કંઈ પણ અશક્ય નથી, હું કરી શકું છું અને હું કરીશ. અનંતને રાધિકાના સ્વરૂપમાં યોગ્ય જીવનસાથી મળી છે, આ તો 'રબ ને બના દી જોડી' છે.'
જંગલ થીમ આધારિત ઉજવણી
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રિ વેડિંગ અંતર્ગત બીજી માર્ચે 'એ વૉક ઓન ધ વાઈલ્ડસાઈડ' નામનો કાર્યક્રમ યોજાયો હતો. વનતારા રેસ્ક્યુ એન્ડ રિહેબિલિટેશન સેન્ટરમાં યોજાયેલા આ કાર્યક્રમમાં મહેમાનો જંગલ ફિવર થીમ આધારિત ડ્રેસ કોડ અને આરામદાયક ફૂટવેરમાં આવ્યા હતા. આ પ્રસંગે મેટાના સીઈઓ માર્ક ઝુકરબર્ગ અને તેમના પત્ની જંગલ થીમ આધારિત ડ્રેસ કોડમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. સોશિયલ મીડિયામાં તેમણે આ અંગેની તસવીર પણ શેર કરી હતી.
જામનગરમાં 14 ઇન્ટરનેશનલ ફ્લાઇટ સાથે એક જ દિવસમાં 70 ફ્લાઇટ લેન્ડ થયાનો રેકર્ડ
એક દિવસમાં 140 ફ્લાઈટની અવરજવર : 10 દિવસ માટે ઈન્ટરનેશનલ એરપોર્ટ થયુ
દેશના ટોચના ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રિ-વેડિંગ સેરેમનીને લઈને જામનગરના એરપોર્ટ પર ગઈકાલે નવો કીર્તિમાન સ્થાપિત થયો હતો, અને એક જ દિવસમાં ૧૪ ઇન્ટરનેશનલ ફલાઇટ સહિત કુલ ૭૦ ફ્લાઈટ લેન્ડ થઈ હતી, જ્યારે આજે વધુ બોલીવુડ સીતારાઓ- તેમજ અન્ય સેલિબ્રિટી વગેરેને લઈને નવી ૨૨ ફ્લાઈટ લેન્ડ થઈ છે, જ્યારે કેટલાક મહેમાનો પરત ફરી રહ્યા છે, જેઓની ફ્લાઈટે અહીંથી પરત ઉડાન ભરી છે. આમ ૧૪૦ જેટલી ફ્લાઈટની અવરજવર થઈ હતી. ગઈકાલે વહેલી સવારથી મોડી રાત્રે સુધીમાં જામનગરના એરપોર્ટ પર કુલ ૭૦ ફ્લાઈટ લેન્ડ થઈ હતી, જે પૈકી ૧૪ ઇન્ટરનેશનલ ફ્લાઇટ નો સમાવેશ થાય છે, અને જામનગરના એરપોર્ટ માટેનો એક નવો કીર્તિમાન સ્થાપિત થયો છે. આજે પણ મહેમાનો આવવાનો સિલસિલા ચાલું જ રહ્યો હતો, અને વધુ ૨૨ જેટલી ફ્લાઇટ લેન્ડ થઈ હતી, જેમાં પણ અને બોલીવુડ સ્ટાર તેમજ ક્રિકેટ ખેલાડીઓ, ગીત સંગીત સાથે જોડાયેલા કલાકારો વગેરેનું જામનગરના એરપોર્ટ પર આગમન થયું હતું. આજે જામનગરના એરપોર્ટ પર બોલીવુડ ના ખ્યાતનામ કલાકારો પૈકીના વિકી કૌશલ, કેટરીના કેફ, શાહિદ કપૂર, કિરણ રાવ, તેમજ સિંગર ઉદિત નારાયણ, સુખવિંદર સિંઘ, મ્યુઝિક ડાયરેકટર પ્રીતમદા તેમજ ટાઈગર શ્રોફ વગેરે પણ જામનગરના એરપોર્ટ પર આવ્યા હતા, જેમાં ટાઇગર શ્રોફનો આજે જન્મદિવસ હોવાથી તેમના ફેન્સ દ્વારા એરપોર્ટ પર જ કેકનું કટિંગ કરવામાં આવ્યું હતું.