ગુજરાતમાં ભાજપના 40 સ્ટાર પ્રચારકોની યાદીમાં જામનગર જિલ્લાના સાંસદ પૂનમબેન માડમનો પણ સમાવેશ
જામનગર,તા.11 નવેમ્બર 2022,શનિવાર
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ચૂંટણી સભાઓ ગજવવા માટે ના ૪૦ સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરવામાં આવી છે, જેમાં જામનગર જિલ્લાના સાંસદ પૂનમબેન માડમનો પણ સમાવેશ થાય છે.
ગુજરાત ભાજપની ચૂંટણી દરમિયાન ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચૂંટણી પ્રચારની કમાન સંભાળશે. જેમની સાથે કેન્દ્રીય ગ્રહ મંત્રી અમિત શાહ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા, કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહ, સહિતના અનેક દિગ્ગજ નેતાઓ ગુજરાતની ચૂંટણીમાં પ્રચાર કાર્યનું સુકાન સંભાળશે.
જ્યારે સિનેજગત સાથે સંકળાયેલા તેમજ ભારતીય જનતા પાર્ટીના સાંસદ સહિતના અન્ય નેતાઓ પણ સ્ટાર પ્રચારકની યાદીમાં સામેલ થયા છે. ગુજરાતના પણ કેટલાક સાંસદ- ધારાસભ્યો પૂર્વ મુખ્યમંત્રી નાયબ મુખ્ય મંત્રી અને અન્ય મંત્રીઓ વગેરે પ્રચાર કાર્ય ની કમાન સંભાળશે.
જેની સાથે સાથે જામનગર જિલ્લાના સાંસદ પૂનમબેન માડમને પણ સ્ટાર પ્રચારકની યાદીમાં સમાવિષ્ટ કરાયા છે. જેઓ પણ જામનગર, દેવભૂમિ દ્વારકા, કચ્છ, સુરત સહિતની અનેક બેઠકો પર ચૂંટણી સભાઓને ગજવશે, અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને જીતાડવા માટેનો પ્રચાર પ્રસાર કરવા માટે પ્રવાસ કરશે.