જામનગરમાં હરિયા કોલેજ રોડ પર ઓઇલ ઢોળાતાં 50થી વધુ વાહન ચાલકો પ્રભાવિત થયા
ફાયર બ્રિગેડની ટુકડીએ સ્થળ પર દોડી જઇ માર્ગ પર માટી નખાવી રસ્તા પરથી ઓઈલનો ભાગ દૂર કર્યો
જામનગર, તા. 13 ફેબ્રુઆરી 2024 મંગળવાર
જામનગરમાં હરિયા કોલેજ રોડ પર ગઈકાલે સવારે કોઈ વાહન ચાલક દ્વારા બેદરકારી દાખવી હોવાથી તેમના વાહનમાંથી મોટા પાયે ઓઇલ ઢોળાયું હતું, અને સમગ્ર માર્ગ પર ફેલાઈ ગયું હતું, જેના કારણે ત્યાંથી પસાર થનારા ૫૦ થી વધુ વાહનચાલકો પ્રભાવિત થયા હતા, અને સ્લીપ થઈને પડી ગયા હોવાના અહેવાલો પ્રાપ્ત થયા હતા. વહેલી સવારે કારખાને જતા કેટલાક કામદાર સહિતના લોકો તેમજ કેટલાક સ્કૂલ કોલેજના વિદ્યાર્થીઓ પણ ભોગ બન્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.
જોકે સદભાગ્યે કોઈ જાનહાનિ થઈ ન હતી. આ બનાવની જાણ થયા પછી સવારે ૯.૦૦ વાગ્યાના અરસામાં જામનગર મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડ ની ટિમ ઘટના સ્થળે દોડી ગઈ હતી, અને સોલીડ વેસ્ટ શાખા ની મદદ લઈને ટ્રેક્ટરમાં ધૂળ મંગાવી હતી, અને સમગ્ર માર્ગ પર પાથરી દઇ ઓઇલ નો ભાગ સોસાઈ જાય તે પ્રકારની કાર્યવાહી કરીને માર્ગ પરથી ઓઇલ ના ભાગ ને દૂર કરાવ્યો હતો, તેથી વાહનચાલકોને રાહત થઈ હતી. ફાયરબ્રિગેડ તથા મહાનગરપાલિકાની અન્ય ટુકડીઓ દ્વારા સતત દોઢ કલાકની જહેમત લેવામાં આવી હતી.