જામનગરમાં વ્યાજખોરનો આતંક : રાક્ષસી વ્યાજ વસુલી લીધા પછી યુવાન અને તેના મિત્ર પર હીચકારો હુમલો
Crime News Jamnagar : જામનગરમાં શાંતિનગર વિસ્તારમાં રહેતા અને કડિયા કામ કરતા એક યુવાને પોતાની પાસેથી 10 ટકા લેખે રાક્ષસી વ્યાજ વસુલી લીધા પછી વધુ વ્યાજની રકમ કઢાવવા માટે પોતાને તથા પોતાના મિત્રને માર મારવા અંગે રાંદલ નગરમાં રહેતા એક વ્યાજખોર શખ્સ અને તેના બે સાગરીતો સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગેરકાયદે નાણાં ધીરધાર અંગે ગુનો નોધ્યો છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં શાંતિનગર શેરી નંબર-2 માં રહેતા અને કડિયા કામ કરતા વિશાલ રણછોડભાઈ ડાભી નામના 27 વર્ષના યુવાનને પૈસાની જરૂરિયાત હોવાથી રાંદલ નગર વિસ્તારમાં રહેતા યુવરાજસિંહ જાડેજા નામના શખ્સ પાસેથી 10,000 રૂપિયા 10 ટકા લેખે વ્યાજથી લીધા હતા.
જેનું કટકે કટકે 24,000 રૂપિયા વ્યાજ ચૂકવી દીધું હતું, તેમ છતાં યુવરાજસિંહ જાડેજા દ્વારા વધુ પૈસા કઢાવવા માટે ધમકી અપાતી હતી, જેથી વિશાલે વધુ પૈસા આપવાનો ઇનકાર કર્યો હતો.
દરમિયાન વિશાલ અને તેનો મિત્ર વિપુલ કે જેઓ ગઈકાલે મેહુલ પાર્ક વિસ્તારમાંથી પસાર થઈ રહ્યા હતા, દરમિયાન યુવરાજસિંહ જાડેજા તેના બે સાગરીતો સાથે ધસી આવ્યો હતો અને વિશાલ અને તેના મિત્ર પર હુમલો કરી દીધો હતો, અને વધુ વ્યાજના પૈસા નહીં આપે તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી.
જે સમગ્ર મામલો સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો છે, અને પોલીસે વિશાલ ડાભીની ફરિયાદના આધારે યુવરાજસિંહ જાડેજા અને તેના બે સાગરીતો સામે હુમલા અંગેની તેમજ ગેરકાયદે નાણા ધીરધાર કરવા અંગે ગુનો નોંધ્યો છે અને આરોપીઓને પકડવા માટેની કવાયત શરૂ કરી છે.