જામનગર નજીક લાલપુર બાયપાસ ચોકડી પાસેથી પસાર થતી IOC ની પાઇપ લાઇનમાં લીકેજ અંગેની મોકડ્રીલ યોજાઈ
- આઈ.ઓ.સી. વિભાગની ટીમ અને જરૂરી સાધનોની ચકાસણી અર્થે તેમજ સ્થાનિક ગ્રામજનોની સતર્કતા અંગે તંત્ર દ્વારા આયોજન
જામનગર,તા.27 માર્ચ 2024,બુધવાર
જામનગર નજીક લાલપુર બાયપાસ ચોકડી પાસેથી પસાર થઈ રહેલી આઇ.ઓ.સી.ની સલાયા-મથુરા પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયું છે, તે બાબતે જુદી જુદી એજન્સીઓની સતર્કતાની ચકાસણી અર્થે મોકડ્રીલ યોજાઈ હતી, અને તમામ ટીમો અને જરૂરી મશીનરી-સાધનો સાથે ઘટના સ્થળે સમયસર પહોંચી ગયા હતા, અને પાઇપલાઇનમાં લીકેજ દૂર કરવા અંગેની કવાયત કરી હતી.
જામનગર નજીક લાલપુર બાયપાસ પાસેથી આઇએસીની પાઇપલાઇન પસાર થાય છે,જે પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયું છે, તેવો સંદેશો આઇ.ઓ.સી. વાડીનારની ટીમને મળ્યો હતો. જેથી વાડીનાર આઈ.ઓ.સી.ની ટિમ સાધન સામગ્રી અને જરૂર સ્ટાફ સાથે લાલપુર બાય પાસ ચોકડી પાસે પહોંચી હતી.
તેની સાથે સાથે જામનગર મહાનગરપાલિકાની ફાયર વિભાગની ટીમ અને પોલીસ તંત્ર પણ દોડતું થયું હતું. જયાં એક સ્થળે પાઇપલાઇનમાં લીકેજ થઈ રહયું છે, તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. સાથો સાથ તે પાઇપલાઇનમાં આગ લાગી છે, તેવી પણ પ્રક્રિયાઓ હાથ કરીને તંત્ર દ્વારા મોકડ્રીલ જાઇ હતી. જે સમગ્ર પ્રક્રિયા સમયસર પૂર્ણ કરી લેવામાં આવી હતી, અને તંત્ર દ્વારા આખરે મોકડ્રીલને પૂર્ણ જાહેર કરવામાં આવી હતી.
વહીવટી તંત્ર દ્વારા ફાયર બ્રિગેડ તથા અન્ય જરૂરી સ્ટાફની સતર્કતા ચકાસવા અંગે તેમજ ફાયર ટેન્ડર સહિતના જરૂરી ઇક્યુમેન્ટ વગેરેની કાર્યપ્રણાલીની ચકાસણીના અર્થે આ મોકડ્રીલ યોજાઈ હતી. સાથો સાથ આઇ.ઓ.સી.ની પાઇપલાઇન કે જેમાં જ્વલનશીલ કાચું તેલ પસાર થાય છે, અને આસપાસના ગ્રામજનો ને તે અંગે જાણકારી મળી રહે, તેમ જ આ રાષ્ટ્રીય સંપતિ છે. તેની સુરક્ષા પણ થવી જોઈએ, વગેરેની ચકાસણી અર્થે અને લોકોમાં જાગૃતિ લાવવાના સંદર્ભમાં આ મોકડ્રીલ યોજવામાં આવી હતી.