જામનગર શહેર અને જિલ્લામાં ઠંડીના ઘટાડાની સાથે ગાઢ ધુમ્મસની ચાદર છવાઈ જતાં ઝાકળભીની સવાર
- વહેલી સવારે વીઝીબિલિટી ઝીરો થઈ જતાં ધૂમમ્સની ચાદર છવાઈ જવાથી માર્ગો પરથી પાણીના રેલા ઉતર્યા: વાહન ચાલકોને પરેશાની
જામનગર,તા.31 જાન્યુઆરી 2024,બુધવાર
જામનગર શહેર અને જિલ્લામાં આજે વાતાવરણમાં ફરીથી બદલાવ આવ્યો છે, અને ભેજનું પ્રમાણ 98 ટકા થઈ જતાં વહેલી સવારે ગાઢ ઘુમ્મસની ચાદર છવાઈ હતી, અને વિઝીબિલિટી ઝીરો થઈ જવાના કારણે માર્ગો પરથી પાણીના રેલા ઉતર્યા હતા, તેમજ વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવી પડી હતી. ઠંડીના પ્રમાણમાં જોકે ઘટાડો થયો છે, પરંતુ પવનની તીવ્રતામાં વધારો જોવા મળ્યો છે.
જામનગર શહેર અને જિલ્લામાં આજે મોસમે કરવટ બદલી હતી, અને વહેલી સવારે ભેજનું પ્રમાણ 98 ટકા થઈ ગયું હોવાથી પરોડીયે ગાઢ ધુમ્મસ ની ચાદર છવાઈ ગઈ હતી, અને સૂર્યદેવતાના દર્શન ખુબ મોડા થયા હતા.
વહેલી સવારે ભેજના કારણે માર્ગો પરથી પાણીના રેલા ઉતર્યા હતા, એટલું જ માત્ર નહીં વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો, અને લાઈટ તેમજ વાઈપર ચાલુ રાખીને વાહનો ચલાવવાનો વારો આવ્યો હતો.
જોકે ઠંડીના પ્રમાણમાં ઘટાડો જોવા મળ્યો છે, અને ગઈકાલે ઠંડીનો પારો 13.0 ડીગ્રી સુધી નીચે ગયો હતો, જેમાં આજે એકાએક બદલાવ આવ્યો છે, અને પાંચ ડીગ્રી ઉપર ચઢીને 18.0 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જોકે લઘુતમ તાપમાનનો પારો 28.5 ડિગ્રીએ સ્થિર થયો હતો, જ્યારે ગઈકાલે સાંજથી પવનની તીવ્રતામાં વધારો જોવા મળ્યો હતો, અને પ્રતિ કલાકના 30 થી 35 કિ.મી ની ઝડપે પવન ફૂંકાયો હતો.