જામનગર નજીક દરેડ જીઆઇડીસી વિસ્તારમાં બ્રાસની ભઠ્ઠીમાં બ્લાસ્ટ થતાં દાઝી ગયેલા પરપ્રાંતિય શ્રમિકનું સારવાર દરમિયાન મૃત્યુ
image : Freepik
જામનગર,તા.07 માર્ચ 2024,ગુરૂવાર
જામનગર નજીક દરેડ જીઆઇડીસી વિસ્તારમાં બ્રાસપાટ ની એક ભઠ્ઠીમાં થોડા દિવસો પહેલાં એકાએક બ્લાસ્ટ થયો હતો, જેમાં એક પરપ્રાંતિય શ્રમિક યુવાન દાઝીગયો હતો. જેને સારવાર માટે જામનગરની જીજી હોસ્પિટલમાં અને ત્યાર બાદ રાજકોટની હોસ્પિટલમાં દાખલ કરાયા પછી સારવાર દરમિયાન રાજકોટની હોસ્પિટલમાં મૃત્યુ નીપજયું છે.
આ બનાવની વિગત એવી છે કે મૂળ બીહાર રાજ્યનો વતની અને હાલ જામનગર તાલુકાના મસિતીયા ગામમાં મુસ્તાકભાઈના મકાનમાં રહેતા અને દરેડ જીઆઇડીસી વિસ્તારમાં આવેલી મારુતિ મેટલ નામની ભઠ્ઠીમાં મજૂરી કામ કરતો વિશુકુમાર મહેન્દ્રભાઈ શર્મા નામનો 26 વર્ષનો યુવાન ગત 26મી ફેબ્રુઆરીના દિવસે એકાએક બ્લાસ્ટ થતાં પિત્તળનો રસ ઉડવાના કારણે ગંભીર સ્વરૂપે દાજી ગયા પછી તેને સૌ પ્રથમ જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં દાખલ કરાયો હતો, જ્યાં તેની તબિયત લથડતાં વધુ સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ છે.
આ બનાવ અંગે મૃતકના ભાઈ હિતેશકુમાર મહેન્દ્રભાઈ શર્માએ પોલીસને જાણ કરતાં પંચકોષી બી.ડિવિઝન પોલીસે મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.