કાલાવડના ખંઢેરા ગામ પાસે બાઈક સ્લીપ થઈ જતાં બાઈકચાલક પરપ્રાંતિય શ્રમિક યુવાનું મૃત્યુ: અન્યને ઇજા
જામનગર,તા.19 જાન્યુઆરી 2024,શુક્રવાર
જામનગર-કાલાવડ ધોરી માર્ગ પર ખંઢેરા ગામ નજીક ડબલ સવારી બાઇક સ્લીપ થઈને વાડીના કાંટાળી તારના સિમેન્ટના પોલ સાથે ટકરાઈ ગયું હતું, અને બાઈક ચાલક પર પ્રાંતિય શ્રમિક યુવાનને ગંભીર ઇજા થતાં બનાવના સ્થળે જ કરુણ મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે અન્ય એક યુવક ઘાયલ થયો છે.
આ અકસ્માતના બનાવની વિગત એવી છે, કે મધ્યપ્રદેશના વતની અને હાલ કાલાવડ તાલુકાના ગોલણીયા રહેતા અને માછીમારી કરતો દેવેન્દ્ર વશીષ્ઠભાઈ સહાની નામના 40 વર્ષનો શ્રમિક યુવાન પોતાના અન્ય સાથીદાર મુકેશ ફૂલકેસરભાઈ માજીને બાઈકમાં પાછળ બેસાડીને જામનગર કાલાવડ ધોરી માર્ગ પરથી પસાર થઈ રહ્યો હતો, જે દરમિયાન ખંઢેરા ગામ નજીક એકાએક બાઈક સ્લીપ થઈને એક વાડીની કાંટાળી તારના સિમેન્ટના પોલ સાથે ટકરાઈ ગયું હતું.
જેમાં બાઈક ચાલક દેવેન્દ્ર સહાનીને માથા સહિતના શરીરના ભાગોમાં ગંભીર ઇજા થવાથી બેશુદ્ધ બન્યો હતો, અને ત્યારબાદ તેનું મૃત્યુ નીપજ્યું હતું.
આ ઉપરાંત બાઈક ની પાછળ બેઠેલા મુકેશ માજીને પણ ઇજા થઇ હોવાથી સરકારી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી.
આ બનાવ અંગે કાલાવડ ગામના પોલીસને જાણ કરાતાં પોલીસ હેડ કોન્સ્ટેબલ વી.જે. જાદવ ઘટના સ્થળે દોડી ગયા હતા, અને મૃતદેહનો કબજો સંભાળ્યો છે, અને સમગ્ર બનાવ મામલે વધુ તપાસ હાથ ધરી છે.