જામનગર શહેર અને જિલ્લામાં દારૂની પ્રવૃત્તિ સામે પોલીસ તંત્રની મેગા ડ્રાઇવ : 30 જેટલા સ્થળોએ દરોડા
image : Freepik
- શહેર અને જિલ્લામાં જુદી જુદી પોલીસ ટીમ દ્વારા ઇંગલિશ તેમજ દેશી દારૂ ના ૩૦ કેસ શોધી કાઢવામાં આવ્યા
જામનગર,તા.22 માર્ચ 2024,શુક્રવાર
જામનગર શહેરને જિલ્લામાં દેશી દારૂની પ્રવૃત્તિને ડામી દેવા માટે પોલીસ તંત્ર કમરકસી રહ્યું છે, અને જામનગરના એસ.પી. પ્રેમસુખ ડેલૂની સુચનાથી જામનગર શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં મેગા ડ્રાઇવ રાખવામાં આવી હતી.
જામનગર શહેર-જિલ્લાના તમામ પોલીસ સ્ટેશન તેમજ એલસીબીની ટુકડી વગેરે દ્વારા શહેર જિલ્લામાં એકીસાથે 30 જેટલા સ્થળોએ દારૂ અંગે દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં એક સ્થળેથી 134 નંગ ઇંગ્લિશ દારૂની બોટલનો જથ્થો કબજે કરી લીધો છે.
આ ઉપરાંત દેશી દારૂ અને દેશી દારૂની ભઠ્ઠી અંગેના એકીસાથે 29 કેસ કરવામાં આવ્યા છે, જેમાં 135 લીટર દેશી દારૂ, તેમજ 1368 લીટર દેશી દારૂ બનાવવાનો કાચો આથો, વગેરે કબ્જે કરવામાં આવ્યો હતો, અને તેનો સ્થળ પર જ નાશ કરાયો છે. સાથો સાથ દેશી દારૂની પ્રવૃત્તિ અંગેના જરૂરી સાધનો પણ કબજે કરી લેવામાં આવ્યા છે. પોલીસ તંત્રની આ કાર્યવાહીને લઈને દેશી દારૂના ધંધાર્થીઓમાં ફફડાટ મચી ગયો હતો.