જામનગરમાં મહાનગરપાલિકાનું મેગા ડીમોલેશન, 14 પાકા મકાનો અને વાડા સહિત 24 દબાણો પર ફર્યુ બુલડોઝર
- જામનગરમાં ઘાંચીની ખડકી થી ટીટોડી વાડી વિસ્તારમાં 24 મીટરનો ડી.પી.રોડ બનાવવા માટે મહાનગરપાલિકાનું મેગા ડીમોલેશન
- અંદાજે એક કિ.મી. લાંબા રોડ પર ખડકી દેવાયેલા 14 પાકા મકાનો અને વાડા સહિતના 24 દબાણો દૂર કરવા કાર્યવાહી
- ત્રણ જેસીબી મશીન- ટ્રેક્ટરો વગેરે મશીનરી વડે ભારે પોલીસ બંદોબસ્ત સાથે તમામ દબાણો હટાવાયા
જામનગર,તા.2 જાન્યુઆરી 2024,મંગળવાર
જામનગર મહાનગરપાલિકા દ્વારા ઘાંચીની ખડકી થી ટીટોડી વાડી સુધીના 24 મીટરનો નવો ડી.પી. રોડ બનાવવા માટે આજે મૅગા ડીમોલેસન કરવામાં આવ્યું હતું, અને કાચા પાકા 24 જેટલા મકાનો સહિતના દબાણોને હટાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ભારે પોલીસ બંદોબસ્તની વચ્ચે દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે.
જામનગર મહાનગરપાલિકા દ્વારા ઘાંચીની ખડકી થી ટીટોડી વાડી સુધીના વિસ્તારમાં 24 મીટર પહોળા અને અંદાજે સવા કિલોમીટર જેટલા લાંબા નવા ડીપી રોડ બનાવવા માટેની કાર્યવાહી હાથ ધરી હતી, અને તેના માટે ઉપરોક્ત જગ્યામાં થયેલા દબાણોને દૂર કરવા માટે આજે મેગા ડીમોલેશન હાથ ધરવામાં આવ્યું છે.
જામનગર મહાનગર પાલિકાના નવા ડેપ્યુટી કમિશનર યોગીરાજસિંહ ગોહિલ, સીટી ઇજનેર ભાવેશ જાની, કાર્યપાલક ઇજનેર મુકેશ વરણવા, એસ્ટેટ ઓફીસર નીતિન દીક્ષિત, સોક્યોરિટી ઓફિસર સુનિલ ભાનુશાલી સહિતના અધિકારીઓની ટીમ બનાવના સ્થળે હાજર રહી હતી. જ્યારે સિટી એ. ડિવિઝનના પી.આઈ. નિકુંજ ચાવડા અને તેમની ટીમ સાથેનો ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. એસ્ટેટ શાખાની ટુકડી ત્રણ જેસીબી મશીન, ટ્રેક્ટર વગેરે સાથે બનાવના સ્થળે પહોંચી હતી, ત્યાં ફાયર બ્રિગેડની ટીમ પણ મદદમાં જોડાઈ હતી, અને દબાણો હટાવવાનું શરૂ કર્યું હતું.
ઉપરોક્ત માર્ગ પર 14 પાકા મકાનો ખડકી દેવાયા હતા, જે તમામ મકાન માલિકોને નોટિસ આપ્યા પછી તેઓને માલ સામાન ખાલી કરી દેવાની તક અપાઈ હતી, ત્યારબાદ ડીમોલેસન કરવામાં આવ્યું છે, અને તમામ દબાણો દૂર કરાયા છે. સાથો સાથ 10 જેટલા નાના મોટા વાડા બાંધી દેવાયા હતા, જે તમામ જગ્યા પણ ખુલ્લી કરીને તેના પરની કાંટાળી ફેન્સીંગ તાર સહિતનું દબાણ દૂર કરી દેવાયું હતું.
ટૂંક સમયમાં જ મહાનગરપાલિકા દ્વારા આ વિસ્તારમાં 24 મીટરની પહોળાઈનો સવા કિલોમીટર સુધીનો લાંબો ડી.પી.રોડ બનાવવાની કાર્યવાહી શરૂ કરી દેવાશે.