જામનગર નજીક ત્રિપલ સવારી બાઇક સ્લીપ થઈ જતાં ગોઝારો અકસ્માત : તબીબી વિદ્યાર્થીનુ મોત, અન્ય બે યુવકો ઘાયલ
Jamnagar Accident : જામનગર નજીક ચેલા ચંગા રોડ પર સોમવારે સાંજે ત્રીપલ સવારી બાઈક સ્લીપ થઈ જતાં સર્જાયેલા ગોઝારા અકસ્માતમાં બાઇક ચાલક નગરના આશાસ્પદ તબીબી વિદ્યાર્થીનું ગંભીર ઇજા થતાં સારવાર દરમિયાન મૃત્યુ નિપજયું છે. જયારે તેના બે કોલેજીયન મિત્રો પણ ઇજાગ્રસ્ત થતાં તાકિદે 108 મારફતે સારવાર અર્થે જામનગરની જી.જી. હોસ્પીટલમાં ખસેડાયા છે.
આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે જામનગરમાં ગોકુલ નગર વિસ્તારમાં રહેતા અને તબીબી અભ્યાસ કરતો અમિત દામજીભાઈ પરમાર (ઉ.વર્ષ 22) કે જે ગઈકાલે રક્ષાબંધનની રજા હોવાથી અને સોમવારનો દિવસ હોવાથી પોતાના અન્ય બે મિત્રો ગોકુલ નગરમાં જ રહેતા અને કોલેજના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા મનીષ પ્રેમજીભાઈ સોનગરા (ઉંમર વર્ષ 20) તેમજ કલ્પેશભાઈ સોનગરા નામના અન્ય એક કોલેજીયન યુવાનને બાઈકમાં પાછળ બેસાડીને જામનગર થી લાલપુર નજીક આવેલા ભોળેશ્વર મહાદેવના મંદિરે દર્શનાર્થે ગયા હતા અને ત્યાંથી ૩ સવારી બાઈકમાં જામનગર પરત આવી રહ્યા હતા.
દરમિયાન ચેલા ગામની ગોલાઈ પાસે બાઈક ચાલક અમિત પોતાના જી.જે. 10 એલ.ટી.8134 નંબરના બાઈક પરનો કાબુ ગુમાવી બેઠો હતો અને બાઇક સ્લીપ થઈને રોડના ડિવાઇડર સાથે ટકરાઈ ગયું હતું. ત્રણેય યુવાનો ઇજાગ્રસ્ત બન્યા હતા. આ અકસ્માતના બનાવ સમયે ત્યાંથી પસાર થનારા અન્ય લોકો એકત્ર થઈ ગયા હતા અને 108ની ટીમને જાણ કરી હતી. જેથી 108 ની ટુકડી ઘટના સ્થળે દોડી આવી હતી અને ત્રણેયને સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં પહોંચાડ્યા હતા. ત્યાં બાઇક ચાલક અમિત પરમારનું મૃત્યુ નીપજ્યું હોવાનું તબીબો દ્વારા જાહેર કરાયું હતું. જયારે અન્ય બે કોલેજીયન યુવાનો ઘાયલ થયા હોવાથી તેની સધન સારવાર ચાલી રહી છે.
જાણવા મળતી હકીકત મુજબ મૃતક અમિત પરમાર નામનો યુવાન તબીબી છાત્ર હોવાનુ તેમજ તેના પિતા બ્રાસપાર્ટસના ધંધા સાથે સંકળાયેલા હોવાનુ અને તેના મોટા ભાઇ પણ તબીબ હોવાનુ જાણવા મળ્યુ છે. જ્યારે અન્ય બે મિત્રો પણ કોલેજમાં અભ્યાસ કરતા હોવાનું જાહેર થયું છે. આ બનાવના પગલે મૃતકના પરીવારમાં ઘેરો શોક છવાયો છે. આ બનાવની જાણ થતાં પોલીસ ટુકડી ઘટના સ્થળે તેમજ જી.જી.હોસ્પિટલને દોડી ગઈ છે અને સમગ્ર અકસ્માતના બનાવ મામલે વધુ તપાસ હાથ ધરી છે.