Get The App

જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના રણુજા હાઈવે રોડ પર આવેલી સ્પિનિંગ મિલમાં ભીષણ આગથી ભારે અફડાતફડી

- જામનગર- કાલાવડ- રાજકોટ-ધ્રોળ સહિતના 10થી વધુ ફાયર ફાઇટરની ટીમ દ્વારા આગ બુઝાવવા મથામણ

- 35થી વધુ પાણીના ટેન્કરો વડે સતત 14 કલાકની જહેમત બાદ આગને કાબુમાં લેવાઇ: 5,000થી વધુ રૂ ની ધાંસડી ભસ્મીભૂત

Updated: Feb 4th, 2024


Google NewsGoogle News
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના રણુજા હાઈવે રોડ પર આવેલી સ્પિનિંગ મિલમાં ભીષણ આગથી ભારે અફડાતફડી 1 - image


 જામનગર, તા. 04 ફેબ્રુઆરી 2024, રવિવાર

જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના રણુજા રોડ પર આવેલી એન્જલ ફાઇબર્સ લિમિટેડ નામની સ્પિનિંગ મિલમાં ગઈ રાત્રે 9:30 વાગ્યાના અરસામાં અકસ્માતે આગ લાગી હતી, અને ગોદામમાં રાખેલો 5,000થી પણ વધુ રૂની ધાસડીઓનો મોટો જથ્થો આગમાં ભસ્મિભૂત થયો હતો. જામનગર- કાલાવડ-ધ્રોળ અને રાજકોટની 10થી વધુ ફાયર ફાઇટરો ની ટીમ દ્વારા પાણીના ૩૫ જેટલા ટેન્કરના ફેરા કરીને 14 કલાકની જહેમત બાદ આગને કાબુમાં લીધી હતી. આગના કારણે ભારે નુકસાની વેઠવી પડી છે.

આગના આ બનાવની વિગત એવી છે કે જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના રણુજા હાઈવે રોડ પર સર્વે નંબર 100/1 માં આવેલી એન્જલ ફાઇબર લિમિટેડ નામની સ્પીનિંગ મિલમાં ગઈ રાત્રિના 9:30 વાગ્યાના અરસામાં અકસ્માતે આગ લાગી હતી, અને ગોડાઉનમાં રાખવામાં આવેલો 5,000થી વધુ રૂ ની ઘાસડી નો જથ્થો સળગવા લાગ્યો હતો.

 જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને દૂર સુધી આગના લબકારાઓ દેખાયા હતા, જેના કારણે આસપાસના વિસ્તારમાં રહેતા મોટી સંખ્યામાં લોકો એકત્ર થઈ ગયા હતા. 

આગના બનાવ અંગે ફાયર બ્રિગેડને જાણ કરાતાં સૌપ્રથમ કાલાવડ ફાયર ની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી, જ્યારે આગની ગંભીરતા જોઈને અન્ય ફાયર ફાઈટરની મદદ લેવામાં આવી હતી. જેથી જામનગરના બે ફાયર ફાઈટર, રાજકોટના ત્રણ ફાયર ફાઇટર અને ધ્રોળ સહિત કુલ 10 ફાયર ફાઇટર ની મદદ લેવામાં આવી હતી.

સતત 14 કલાક સુધી પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો અને અંદાજે 35થી વધુ પાણીના ટેન્કર ઠાલવી દેવામાં આવ્યા હતા, અને આગને કાબુમાં લેવાઇ હતી ત્યારબાદ સર્વે હાશકારો અનુભવ્યો હતો. 

આ ઘટનાની જાણ થતાં કાલાવડની પોલીસ ટુકડી ઘટના સ્થળે દોડી ગઈ હતી અને કયા કારણસર આગ લાગી હતી, અને તેનું ચોક્કસ કારણ જાણવા માટે વિશેષ તપાસ શરૂ કરી છે. તેમજ આગ ના કારણે નુકસાની નો અંદાજ કાઢવામાં આવી રહ્યો છે. આ બનાવને લઈને સ્પિનિંગ મિલના સંચાલકોને ભારે નુકસાની વેઠવી પડી છે.


Google NewsGoogle News