જામનગરમાં કારગીલ વિજય દિવસની પૂર્વ સંધ્યાએ ભાજપ યુવા મોરચા દ્વારા મશાલ રેલી યોજાઈ : શહીદ સ્મારકે શ્રદ્ધાંજલિ અર્પિ
Kargil Vijay Diwas : જામનગર શહેરમાં આજે કારગિલ વિજય દિવસની ઉજવણી થઈ રહી છે. ત્યારે ગઈકાલે મોડી સાંજે ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા મસાલ રેલી યોજવામાં આવી હતી, જેમાં જામનગર શહેરના બંને ધારાસભ્યો, મેયર, શહેર ભાજપના પ્રમુખ સહિતના અગ્રણીઓ જોડાયા હતા, અને મસાલ રેલી બાદ તળાવની પાળે આવેલા શહિદ સ્મારકે જઈને શહીદ વીરોને શ્રદ્ધાંજલિ આપી હતી અને 25 કલાક માટેની અખંડ જ્યોત પ્રજ્વલિત કરી હતી.
ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા કારગીલ વિજય દિવસની ઉજવણીની પૂર્વ સંધ્યાએ મશાલ યાત્રાનું વોર્ડ નંબર 9, 10, 11 અને 12 માં આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં 79-દક્ષિણ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય દિવ્યેશ અકબરી, 78- વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય રિવાબા જાડેજા, જામનગરના પ્રથમ નાગરિક વિનોદભાઈ ખીમસૂર્યા, શહેર ભાજપ અધ્યક્ષ ડૉ.વિમલભાઈ કગથરા, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશભાઈ કગથરા, પૂર્વ શહેર પ્રમુખ મુકેશભાઈ દાસાણી મહામંત્રી વિજયસિંહ જેઠવા તેમજ જામનગર મહાનગરપાલિકાના અન્ય કોર્પોરેટરો, ભારતીય જનતા પાર્ટી શહેર સંગઠનના હોદ્દેદારો, યુવા મોરચાના સર્વે હોદ્દેદારો વગેરે મશાલ રેલીમાં જોડાયા હતા.
જે મશાલ યાત્રા શ્યામજી કૃષ્ણ વર્માની પ્રતિમા પાસેથી પ્રારંભ થઈ હતી, અને તળાવની પાળે આવેલા શહીદ વીર સ્મારક સુધી પહોંચી હતી. જ્યાં 25 કલાક માટેની અખંડ જ્યોત પ્રગટાવાઇ હતી, જ્યારે સર્વે મહાનુભાવોએ શહીદ વીરોને નમન કર્યા હતા, અને શ્રદ્ધાંજલિ અર્પિ હતી.