જામનગરના મોટી લાખાણી ગામમાં રહેતી પર પ્રાંતિય પરણીતાનો ઝેરી દવા પી લઇ આપઘાત
Jamnagar Suicide Case : જામનગર તાલુકાના મોટી લાખાણી ગામમાં રહેતી પરપ્રાંતિય શ્રમિક યુવતીએ ઝેરી દવા પી લઈ આત્મહત્યા કરી છે. પોતાને માવતરે જવા બાબતે પતિ સાથે ઝઘડો થયા પછી પોતાનો મોબાઈલ ફોન તોડી નાખી ગુસ્સામાં આવી જઈ ઝેર પી લઇ આપઘાત કરી લીધો છે.
આ બનાવની વિગત એવી છે કે મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાની વતની અને હાલ જામનગર તાલુકાના મોટી ખાવડી ગામના વિરભદ્રસિંહ લાલુભા જાડેજા નામના ખેડૂતની વાડીમાં રહીને ખેત મજૂરી કામ કરતી હત્રિબેન રાજુભાઈ બિલવાલ નામની બાવીસ વર્ષીય આદિવાસી પરણીતાએ ગઈકાલે પોતાની વાડીની ઓરડીમાં જંતુનાશક દવા પી લઇ આત્મહત્યાનો પ્રયાસ કરતાં તેણીને સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, જ્યાં સારવાર દરમિયાન તેણીનું મૃત્યુ નીપજ્યું હતું.
આ બનાવ અંગે મૃતકના પતિ રાજુભાઈ પાનસિંગ બીલવાલે પોલીસને જાણ કરતાં પ્રોબેશનલ પીએસઆઇ એચ.ડી. ગોહિલે મૃતદેહના કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી હતી. મૃતક યુવતિને પોતાના માવતરે જવા માટે પતિ સાથે ઝઘડો થયો હતો, ત્યારબાદ માવતરે થી ફોન આવતાં તેણી ગઈકાલે ફોનમાં વાત કરતી હતી, અને ગુસ્સામાં આવી જતાં તેણે પોતાનો મોબાઈલફોન જમીન પર પટકીને તોડી નાખ્યો હતો, ત્યારબાદ ઝેર પી લઇ આત્મહત્યાનું પગલું ભરી લીધું હતું.