જોડીયા તાલુકાના બાલાચડી ગામમાં દોઢ માસ પહેલા જ પરણેલી એક પરણીતાને પેટમાં દુખાવો ઉપડ્યા બાદ સારવાર દરમિયાન અપમૃત્યુ
જામનગરમાં જિલ્લાના જોડિયા તાલુકાના બાલાચડી ગામમાં રહેતી મૂળ મધ્યપ્રદેશની નવપરણીત યુવતી કે જેના માત્ર દોઢ માસ પહેલાજ લગ્ન થયા હતા, અને તેણીને પેટમાં દુખાવો ઉપડ્યા બાદ સારવાર દરમિયાન તેણી નું મૃત્યુ નીપજયું છે. જે મામલે જોડીયા પોલીસ તપાસ ચલાવે છે.
આ બનાવની વિગત એવી છે કે મૂળ મધ્યપ્રદેશ ના ધાર જિલ્લા ની વતની અને હાલ જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના બાલાચડી ગામમાં રહેતા વિક્રમસિંહ નિર્મળસિંહ વાઘેલા ની વાડીમાં રહીને ખેત મજૂરી કામ કરતી સીમાબેન સોહનભાઈ આનારે નામની પરપ્રાંતિય શ્રમિક યુવતી કે જેના આજથી માત્ર દોઢ માસ પહેલાજ લગ્ન થયા હતા, અને પોતાના પતિ સાથે ખેત મજૂરી કામ કરતી હતી.
દરમિયાન તેણીને પેટમાં દુખાવો ઉપડ્યો હતો, અને તેને સારવાર માટે સૌપ્રથમ હડિયાણાં ની હોસ્પિટલમાં અને ત્યારબાદ જાંબુડા ની હોસ્પિટલ માં ખસેડવામાં આવી હતી, ત્યાં ફરજ પરના તબીબે તેણીનું મૃત્યુ નિપજ્યું હોવાનું જાહેર કર્યું હતું.
આ બનાવ અંગે મૃતકના પતિ સોહનભાઈ શેરસિંહ આદિવાસીએ પોલીસને જાણ કરતાં જોડીયા ના હેડ કોન્સ્ટેબલ મેહુલભાઈ ડી.શિયાળ બનાવના સ્થળે તેમજ જાંબુડાની હોસ્પિટલમાં પહોંચી ગયા હતા, અને મૃતદેહ નો કબ્જો સંભાળી આ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.