જામનગર શહેરમાં દિવાળીના તહેવારોને લઈને શહેરના મુખ્ય ભીડભાડ વાળા વિસ્તારમાં જિલ્લા પોલીસ વડા ની આગેવાનીમાં પોલીસ દ્વારા માર્ચ પાસ્ટ કરાઈ
જામનગર, તા. 12 નવેમ્બર 2023, રવિવાર
જામનગર શહેરમાં દિવાળીના તહેવારોને અનુલક્ષીને મુખ્ય ભીડભાડ વાળા વિસ્તારોમાં જિલ્લા પોલીસ વડા ની આગેવાનીમાં માર્ચ પાસ્ટ કરવામાં આવી હતી, અને શહેરના ત્રણેય પોલીસ ડિવિઝનના સ્ટાફ વગેરે દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરાયું હતું.
જામનગર શહેરમાં દીવાળીના તહેવારોને અનુલક્ષીને બર્ધન ચોક, દરબારગઢ, રણજીત રોડ, સેન્ટ્રલ બેન્ક રોડ, ચાંદી બજાર સહિતના અનેક વિસ્તારોમાં ખૂબ જ ભીડ રહેતી હોય છે, ત્યારે જામનગરના એસ.પી. પ્રેમસુખ ડેલુ ની આગેવાની હેઠળ શનિવારે મોડી સાંજે માર્ચ પાસ્ટ કરવામાં આવી હતી.
જિલ્લા પોલીસ વડાની રાહબરી હેઠળ શહેર વિભાગના ડીવાયએસપી જયેન્દ્રસિંહ ઝાલા, ઉપરાંત શહેરના સિટી એ. ડિવિઝનના પી.આઇ. નિકુંજ ચાવડા, સીટી બી. ડિવિઝનના પી.આઇ. એચ.પી. ઝાલા, સીટી સી. ડિવિઝનના પી.આઇ. એ. આર. ચૌધરી ઉપરાંત એલસીબી અને એસઓજીના પી.આઈ અને તેમના સ્ટાફ તથા શહેરના ત્રણેય પોલીસ ડિવિઝનના પોલીસ સ્ટાફ દ્વારા માર્ચ પાસ્ટ કરવામાં આવી હતી.
શહેરના મુખ્ય ભીડભાડવાળા વિસ્તારો એવા દરબારગઢ સર્કલ, બર્ધન ચોક, સેન્ટ્રલ બેન્ક રોડ, માંડવી ટાવર, દીપક ટોકિઝ, સહિતના વિસ્તારોમાં પોલીસ કાફલો ઘુમ્યો હતો, અને માર્ચ પાસ્ટ કરવામાં આવી હતી. તેમજ લોકોની સુરક્ષા માટે પોલીસ તંત્ર તહેનાતમાં છે, તેવો સંદેશો આપવાનો પ્રયત્ન કરાયો હતો.
જાહેર માર્ગો ઉપર ખોટી ભીડ ના થાય, ઉપરાંત ટ્રાફિક જામની સમસ્યા ન સર્જાય, વગેરે તમામ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને તેમજ ખિસ્સા કાતરુઓ સહિતના અ સામાજિક તત્વો ને ઝેર કરવાના ભાગરૂપે દિવાળીના તહેવારો દરમિયાન પોલીસ તંત્ર સતર્ક બન્યું છે.