જામનગરમાં દર્દીને અજાણ્યા પર વિશ્વાસ કરવો ભારે પડ્યો, હોસ્પિટલથી ઘરે મુકવા જવાને બદલે બાઈક લઈ થઈ ગયો છૂમંતર
image : Freepik
Jamnagar Bike Theft : જામનગરમાં નવાગામ વિસ્તારમાં રહેતા એક યુવાન સારવાર માટે જામનગરની જી.જી.હોસ્પિટલમાં આવ્યા પછી પરત જતી વેળાએ વરસાદ ચાલુ થઈ જતાં પાટો પલળી ન જાય તે માટે પોતાનું બાઈક અન્ય વ્યક્તિને ઘેર પહોંચાડવા માટે સોપ્યું હતું, પરંતુ વાહન ઘરે પહોંચાડવાના બદલે પોતાની સાથે લઈને રફુચક્કર થઈ ગયો હોવાથી તેની સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.
આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગરમાં નવાગામ ઘેડ માસ્તર સોસાયટીમાં રહેતા દીપકભાઈ સુખલાલભાઈ અજા નામના 48 વર્ષના ખવાસ જ્ઞાતિના યુવાન તા.13.8.2024 ના દિવસે સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં પહોંચ્યા હતા.
ત્યાંથી પાટાપિંડી સહિતની સારવાર કરાવ્યા પછી ઘેર જવા માટે પરત નીકળતાં ધોધમાર વરસાદ ચાલુ થયો હતો. તેથી તેણે પોતાનું બાઈક કે જેની ચાવી સૌપ્રથમ પોતાના મિત્ર કિશોરસિંહ ગોહિલને સોંપી હતી, અને કિશોરસિંહે તે બાઇકની ચાવી જામનગરમાં નાગેશ્વર વિસ્તારમાં રહેતા જય જગદીશભાઈ સિંધી નામના શખ્સને સોંપી હતી. જેણે બાઈક ઇજાગ્રસ્ત યુવાનને ઘેર પહોંચાડવાના બદલે બારોબાર લઈને છૂમંતર થઈ ગયો હતો. જેની આટલા દિવસ સુધી રાહ જોયા પછી પણ બાઈક લઈને પરત નહીં આવતાં અને વિશ્વાસઘાતને છેતરપિંડી કરતાં આખરે ગઈકાલે દિપકભાઈ સુખલાલભાઈએ સીટી બી. ડિવિઝન પોલીસમાં પોતાનું બાઈક લઈને ગુમ થઈ જવા અંગે જય જગદીશભાઈ સિંધીની સામે ફરિયાદ નોંધાવી છે. જે આરોપીને પોલીસ શોધી રહી છે.