જામનગરના લાખોટા તળાવની પાળે રસ્તે રઝળતા ઢોરના કારણે વધુ એક માનવ જિંદગી હોમાઈ
- પક્ષીને ચણ નાખવા જઈ રહેલા એક સ્કુટર ચાલક વેપારી સાથે ગાય અથડાતા ગંભીર ઇજા થયા પછી કરૂણ મૃત્યુ
જામનગર, તા. 4 નવેમ્બર 2021, ગુરૂવાર
જામનગર શહેરમાં રસ્તે રખડતા ઢોર ના કારણે અકસ્માત સર્જાયા પછી વધુ એક માનવ જિંદગી હોમાઇ છે. પક્ષી ને ચણ નાખવા માટે જઈ રહેલા એક સ્કુટર ચાલક વેપારી સાથે ગાય અથડાતાં નીચે પટકાઈ પડયા પછી હેમરેજ સહિતની ગંભીર ઈજા થતાં કરૂણ મૃત્યુ નિપજયું છે.
આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે જામનગરમાં કિશાન ચોક મોદી વાડો વિસ્તારમાં રહેતા પ્રવિણભાઇ બાબુલાલભાઇ નંદા નામના 60 વર્ષના વેપારી ગઈકાલે પોતાનું સ્કૂટર લઈને તળાવની પાળે પક્ષીઓને ચણ નાખવા માટે જઈ રહ્યા હતા, જે દરમિયાન અચાનક એક ગાય દોડી આવી હતી, અને સ્કૂટર સાથે ટકરાઈ હતી.
આ અકસ્માતમાં પ્રવીણભાઈ ભાઈ સ્કૂટર પરથી નીચે પટકાઈ પડયા હતા, અને માથાના ભાગે ગંભીર પ્રકારની ઈજા થઈ હોવાથી તેઓનું મૃત્યુ નીપજયું હતું.આ બનાવને લઇને મૃતકના પરિવારમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું હતું.
જે બનાવ અંગે મૃતક ના પુત્ર હિતેશ પ્રવીણભાઈ નંદાએ પોલીસને જાણ કરતાં સીટી એ ડીવીઝન પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.