જામજોધપુરમાંથી ગેરકાયદે પશુઓની હેરાફેરીને મામલતદારની ટીમે અટકાવી 8 પશુઓને મુક્ત કરાવ્યા
Cattle Trafficking Jamnagar : જામજોધપુરમાં એક વાહનમાં 8 જેટલા પશુઓને ગેરકાયદે લઈ જવાતા હોવાનું ધ્યાનમાં આવતાં જામજોધપુર મામલતદારની ટીમેં તે વાહનને અટકાવ્યું હતું, અને પશુઓને બચાવી લીધા હતા. જામજોધપુર પોલીસે ભાણવડના એક શખ્સ સામે પશુ પ્રત્યે ઘાતકીપણું રાખવા અંગે ગુન્હો નોંધી તેની અટકાયત કરી છે, જ્યારે આઠ અબોલ જીવોને પાંજરાપોળમાં મોકલી આપ્યા છે.
જામજોધપુરના મામલતદાર અને તેમની ટીમ દ્વારા મિનિ બસ સ્ટેશન પાસે ચેકિંગ હાથ ધરાયુ હતું. જે સમયે એક વાહનમાં 8 જેટલા પશુ (ભેંશના પાડા) ને ખીચો ખીચ ભરીને લઈ જવાતા હોવાનું ધ્યાનમાં આવતાં તે વાહન અટકાવ્યું હતું, અને જામજોધપુરને પોલીસને સ્થળ પર બોલાવી લઈ સુપ્રત કરી દીધા હતા.
આથી જામજોધપુર પોલીસે 8 જેટલા પશુઓને મુક્ત કરાવી પાંજરાપોળમાં મોકલી આપ્યા છે. જયારે વાહન કબજે કરી લીધું છે. ઉપરાંત તે વાહનમાં પશુઓને જૂનાગઢમાં સક્કરબાગમાં હિંસક પ્રાણીઓના ખોરાક માટે પાડાને લઈ જઈ રહેલા મનસુખભાઈ અરજણભાઈ બલવા ની અટકાયત કરી લઈ, તેની સામે પશુ પ્રત્યે ઘાતકીપણું નિભાવવા અંગેની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.