જામનગરમાં મહાશિવરાત્રીના પાવનકારી પર્વે શિવ મંદિરોમાં 'બમ બમ ભોલે' નો નાદ ગુંજયો: ઠેર દર્શનાર્થીઓની લાંબી કતાર
જામનગર,તા.08 માર્ચ 2024,શુક્રવાર
છોટી કાશીના ઉપનામ થી પ્રચલિત એવી દેવાલયની નગરીમાં નાના મોટા 70 થી વધુ શિવ મંદિરો આવેલા છે, ત્યારે આજે મહાશિવરાત્રીના પાવનકારી પર્વે પ્રત્યેક શિવ મંદિરોમાં ભગવાન ભોળાનાથને રિઝવવા માટે અનેક શિવભક્તો શિવમંદિરે પહોંચ્યા હતા, અને ભગવાન શિવજીની દૂધાભિષેક, જલાભિષેકથી પૂજા અર્ચના કરી હતી, અને શહેરના પ્રત્યેક શિવાલયમાં દર્શનાર્થીઓની લાંબી કતારો જોવા મળી હતી. જામનગર શહેરના પુરાણ પ્રસિદ્ધ સિધ્ધનાથ મહાદેવ મંદિર, નાગેશ્વર મહાદેવ મંદિર, ભીડભંજન મહાદેવ મંદિર, કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર, ઓમકારેશ્વર મહાદેવ મંદિર, નીલકંઠ મહાદેવ મંદિર, પ્રતાપેશ્વર મહાદેવ મંદિર, નર્મદેશ્વર મહાદેવ મંદિર, ગૌરીશંકર મહાદેવ મંદિર સહિતના શિવાલયોમાં વહેલી સવારથી જ દર્શનાર્થીઓ કતારબંધ ઉભા રહી ગયા હતા, અને ભોળાનાથને રિઝવવા માટે રુદ્રાભિષેક, દૂધાભિષેક, સહિતની પૂજા કરી હતી. ભોળાનાથને બિલીપત્ર અને ગુલાબના ફૂલ ચડાવીને પૂજન અર્જન કર્યું હતું.
પોલીસ તંત્ર દ્વારા પણ જામનગર શહેરના તમામ શિવાલયના દ્વારે સજજડ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો, અને ટ્રાફિક શાખા દ્વારા વાહન પાર્કિંગ અંગે વ્યવસ્થા ગોઠવી હતી. જામનગર મહાનગર પાલિકા દ્વારા શહેરના તમામ શિવાલયના દ્વારે સ્વચ્છતા જાળવી હતી. જ્યારે ભગવાન શિવજીના મહાપ્રસાદ ભાગ વિતરણનો અનેક સ્થળો સ્ટોલ ઊભા થયા હતા, જ્યાંથી ભાંગ નું વિતરણ થયું હતું, જેનો પણ અનેક ભાવિકોએ લાભ લીધો હતો.
છોટી કાશીમાં મહાશિવરાત્રીના પાવન પર્વે નાના-મોટા અનેક શિવાલયો ઝળહળતી રોશની થી સજજ થયા
છોટીકાશીના ઉપનામ થી પ્રચલિત એવી દેવાલયોની નગરી જામનગર શહેરમાં નાના-મોટા અનેક શિવાલયો આવેલા છે, ત્યારે આજે મહાશિવરાત્રીના પાવન પર્વ પ્રસંગે અનેક શિવાલયોમાં ઝળ હળતી રોશની કરવામાં આવી છે, તેમજ ઘજાપતાકા થી શણગારવામાં આવ્યા છે. જેથી શહેરના અનેક શિવાલયોનો ગઈ રાત્રે અનન્ય નઝારો જોવા મળ્યો હતો.
જામનગરના નાગેશ્વર વિસ્તારમાં આવેલા પુરાણ પ્રસિદ્ધ સિધ્ધનાથ મહાદેવ મંદિર, કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર, ભીડભંજન મહાદેવ મંદિર, નાગેશ્વર મહાદેવ મંદિર, પ્રતાપેશ્વર મહાદેવ મંદિર, નર્મદેશ્વર મહાદેવ મંદિર, નીલકંઠ મહાદેવ મંદિર, ગૌરીશંકર મહાદેવ મંદિર સહિતના નાના-મોટા અનેક શિવાલયોને મહાશિવરાત્રીના પર્વની પૂર્વ સંધ્યાએ ઝળહળતી રોશનીથી સજજ બનાવાયા હતા. જેના ભવ્ય નઝારાનો અનેક શિવભક્તોએ ગઈ રાત્રે જ લાભ લીધો હતો.
આજે વહેલી સવારે પણ દર્શનાર્થીઓની મોટી સંખ્યામાં અનેક નાના મોટા શિવ મંદિરમાં શિવ ભક્તોની કતાર જોવા મળી હતી. ત્યારે મંદિરને રોશની શણગારાયેલું તેમજ ઘજાપતાકા થી સુશોભિત કરાયેલું જોવા મળ્યું હતું, અને શિવભક્તો ભાવવિભોર બન્યા હતા.