Get The App

જામનગરમાં કારખાનાના શ્રમયોગીઓને મતદાનના દિવસે સવેતન રજા આપવા તંત્રનો આદેશ

Updated: Apr 23rd, 2024


Google NewsGoogle News
જામનગરમાં કારખાનાના શ્રમયોગીઓને મતદાનના દિવસે સવેતન રજા આપવા તંત્રનો આદેશ 1 - image


Lok Sabha Elections 2024 : લોકસભા સામાન્ય ચૂંટણી-2024 ને અનુલક્ષીને આગામી તારીખ 7 મી મે-મંગળવારના દિવસે જામનગર જિલ્લા તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કારખાના ધારા-1948 હેઠળ ઔદ્યોગિક એકમો કે કારખાનામાં કામ કરતા શ્રમયોગીઓ તેમજ ધી બિલ્ડીંગ એન્ડ અધર કન્સ્ટ્રકશન વર્કસ એક્ટ-1996 અન્વયે નોંધણી થયેલી સંસ્થા કે સાઈટ પર કાર્યરત શ્રમયોગીઓને મતદાનના દિવસે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે સવેતન રજા આપવાની જાહેરાત કરવામાં આવી છે. તેમજ લોકપ્રતિનિધિત્વ ધારા-1951 ની કલમ-135 (બી) મુજબ કારખાના ધારા-1948 અન્વયે કારખાનામાં કાર્ય કરતા શ્રમયોગીઓ તેમજ બિલ્ડીંગ એન્ડ અધર કન્સ્ટ્રકશન વર્કસ એક્ટ અન્વયે નોંધણી થયેલી સંસ્થાઓ કે સાઈટ પર કામ કરતા શ્રમયોગીઓને પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે તેમને સવેતન રજા આપવાની રહેશે.

 આ જોગવાઈ અનુસાર રજા જાહેર કરવાના કારણે સંબંધિત શ્રમયોગીઓ કે કર્મચારીઓના પગારમાંથી કોઈ કપાત કરવાની રહેશે નહીં. ઉક્ત દિવસે રજાના કારણે જો શ્રમયોગીઓ કે કર્મચારીઓને પગાર મેળવવાનો હકક ન ધરાવતો હોય, તો તેવા સંજોગોમાં જે-તે વ્યકિતની રજા જાહેર ના થઈ હોય અને જેટલો પગાર મળવાપાત્ર થતો હોય, તો તેટલો પગાર તેમને ચૂકવવાનો રહેશે.

 જે મતદારની ગેરહાજરીથી જોખમ ઉભું થવાનું સંભવિત હોય અથવા જે વ્યવસાય અને રોજગાર સાથે સંકળાયલા હોય તે રોજગારમાં મોટા પ્રમાણમાં નુકશાન થવાનું સંભવિત હોય, તો તેવા કિસ્સામાં અથવા સતત પ્રક્રિયાવાળા કારખાનામાં કામ કરતાં શ્રમયોગીઓ કે કર્મચારીઓને તેમના મત આપવાનો અધિકાર ભોગવી શકે તે માટે તેમની ફરજના સમયમાંથી મતદાનના સમયગાળા દરમ્યાન ત્રણ થી ચાર કલાક મતદાન માટે સવેતન રજા આપવાની રહેશે. 

જો કોઈ કારખાનેદાર માલિક કે નોકરીદાતા ઉપરોકત જોગવાઈથી વિરુધ્ધનું વર્તન કરશે, તો તેમના વિરુદ્ધ આ કાયદા હેઠળ શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. તેમ ડેપ્યુટી ડાયરેકટર, ઈન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ કચેરી, જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.


Google NewsGoogle News