જામનગર પંથકમાં ફરીથી દીપડાની લટાર : માર્કેટિંગ યાર્ડની દિવાલ પર દીપડાના આંટા ફેરાથી ભયનો માહોલ: વન તંત્ર દોડતું થયું
જામનગર,તા.07 માર્ચ 2024,ગુરૂવાર
જામનગર નજીક મોરકંડા વિસ્તારમાં ચાર દિવસ પહેલાં દીપડાના આંટા ફેરા જોવા મળ્યા હતા, અને એક સીસીટીવીમાં દિપડો કેદ થયો હતો, પરંતુ વનતંત્રની તપાસમાં દીપડો અલિપ્ત થયો હતો. ત્યારબાદ ગઈ રાત્રે ફરીથી દીપડાની લટાર જોવા મળી છે, અને હાપા માર્કેટિંગ યાર્ડની દિવાલ પર દીપડાના આંટા ફેરા જોઈને આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો છે. જામનગરના મોરકંડા વિસ્તારમાં એક ખેતરમાં દીપડો આંટા ફેરા કરી રહ્યો હોવાનું એક હાઇવે હોટલના સીસીટીવી કેમેરામાં જોવા મળ્યું હતું. જેથી આસપાસના વિસ્તારના લોકોએ ગભરાટ અનુભવ્યો હતો, અને વનતંત્રને જાણ કરી હતી.
જેથી ફોરેસ્ટ વિભાગની ટુકડી દ્વારા આસપાસના વિસ્તારમાં તપાસ કરીએ પાંજરું પણ ગોઠવ્યું હતું, પરંતુ દીપડો અન્યત્ર ખસી ગયો હોવાનું અનુમાન લગાવાયું હતું. પરંતુ આજે પાંચ દિવસ બાદ ફરીથી દીપડાની લેટર જોવા મળી છે.
જામનગર નજીક હાપા માર્કેટિંગ યાર્ડની દિવાલ પર ગઈ રાત્રે દીપડો દેખાયો હતો. કોઈ વ્યક્તિ દ્વારા વાહનની લાઈટ કરીને દીપડાના આંટાફેરાની તસવીર ખેંચી લીધી હતી, અને વિડિયો પણ બનાવ્યો હતો.
આસપાસના વિસ્તારમાં આ બનાવની જાણ થતાં લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો, અને વનતંત્ર ફરીથી દોડતું થયું છે, અને દીપડાને પાંજરે પુરવા માટેની કવાયત શરૂ કરી છે. જોકે હજુ સુધી કોઈ વ્યક્તિને નુકશાની અથવા પશુ નું મારણ કર્યાના અહેવાલો મળ્યા નથી.