લાલપુરના મોડપર ગામમાં ગઈકાલે ધોધમાર ત્રણ ઇંચ વરસાદ વરસ્યો : જામજોધપુરના સમાણા અને પરડવામાં ધોધમાર અઢી ઇંચ વરસાદ

Updated: Jul 11th, 2024


Google NewsGoogle News
લાલપુરના મોડપર ગામમાં ગઈકાલે ધોધમાર ત્રણ ઇંચ વરસાદ વરસ્યો : જામજોધપુરના સમાણા અને પરડવામાં ધોધમાર અઢી ઇંચ વરસાદ 1 - image


Monsoon Season Jamnagar : જામનગર શહેર અને જિલ્લામાં ગઈકાલે છૂટો છવાયા વરસાદ નોંધાયો હતો, જેમાં લાલપુર તાલુકાના મોડપર ગામમાં ગઈકાલે બપોરે ધોધમાર ત્રણ ઇંચ વરસાદ વરસી ગયો હોવાના કારણે નદી નાળામાં પૂર આવ્યા હતા. ગ્રામ્ય વિસ્તારના મામલતદાર કચેરી તરફથી મળેલા આંકડાઓ મુજબ મોડપર ગામમાં ગઈકાલે 72 મી.મી. વરસાદ નોંધાયો હતો. જ્યારે જામજોધપુર તાલુકાના સમાણા ગામમાં 53 મી.મી. અને પરડવા ગામમાં 48 મી.મી. વરસાદ નોંધાયો હતો.

આ ઉપરાંત વાંસજાળીયામાં 28 મી.મી., લાલપુર તાલુકાના મોટા ખડબા ગામમાં 26 મી.મી., ધ્રોળ તાલુકાના લૈયારા ગામમાં 22 મી.મી., જામનગર તાલુકાના મોટા વડાળા ગામમાં 15 મી.મી., ભલસાણ બેરાજા ગામમાં 10 મી.મી., જામવાડી ગામમાં 10 મી.મી. અને ધુનડા ગામમાં 15 મી.મી. વરસાદ નોંધાયો છે.તાલુકા માથકોની વાત કરવામાં આવે તો ધ્રોલમાં ગઈકાલે 9 મી.મી. વરસાદ નોંધાયો હતો. કાલાવડમાં ચાર મી.મી. જ્યારે લાલપુરમાં પાંચ મી.મી. વરસાદ નોંધાયો હતો. જો કે આજે સવારથી સમગ્ર જિલ્લામાં વરસાદી વાતાવરણ છે, પરંતુ એકમાત્ર જામજોધપુરમાં પાંચ મી.મી. વરસાદ નોંધાયો છે.

ગઈકાલે પડેલા વરસાદને લઈને જામનગર જિલ્લાના 25 જળાશયો પૈકીના 13 જળાશયમાં છૂટો છવાયો વરસાદ નોંધાયો છે, જે પૈકી કુલઝર કોટડા બાવીસી ડેમનો એક દરવાજો ખોલીને પાણી છોડવામાં આવી રહ્યું છે, અને ડેમનું લેવલ જાળવવામાં આવી રહ્યું છે. તે જ રીતે જામજોધપુર પંથકના ઉમિયા સાગર ડેમનો પણ એક દરવાજો ખોલીને પાણી છોડવામાં આવી રહ્યું છે. જામનગર તાલુકાનો સપડા ડેમ પણ ગઈકાલે પડેલા વરસાદને લીધે પૂરેપૂરો ભરાયો છે.


Google NewsGoogle News