લાલપુર પોલીસે ધરમપુર ગામમાંથી મળેલા મનરોગી યુવાનના વાલી વારસદારને શોધી 'પોલીસ પ્રજાનો મિત્ર' સૂત્રને સાર્થક કર્યું
લાલપુર તાલુકાના ધરમપુર ગામમાંથી મનરોગી યુવાન મળી આવ્યો હતો, આથી લાલપુર પોલીસે તેના વાલી વારસદારને શોધી અને તેનો કબજો અપાવી દઈ 'પોલીસ પ્રજાનો મિત્ર' એ સૂત્રને સાર્થક કરી બતાવ્યું છે.
લાલપુર પોલીસ દ્વારા ગઈ રાતે તાલુકા વિસ્તારમાં પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું હતું, જે દરમિયાન ધરમપુર ગામમાંથી એક માનસિક અસ્થિર યુવાન મળી આવ્યો હતો. જેનું નામ ઠામ પૂછતાં પોતે નામ આપી શકતો ન હતો, પરંતુ વાતચીત પરથી પોતે અસ્થિર મગજ નો હોવાનું અનુમાન લગાવાયું હતું, અને તેના ખિસ્સા વગેરે ચેક કરતાં ખિસ્સા માંથી રાણાવાવ બસ ડેપો ની ટિકિટ મળી આવી હતી.
જેથી આજુબાજુના પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ બાબતેની તપાસ કરાવતાં તેનું નામ અલ્પેશ દામજીભાઈ લુણાગરિયા (૩૫ વર્ષ) જે મૂળ ઉપલેટા તાલુકાના તણસવા ગામનો અને હાલ પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકા ના આદિત્યાણા ગામમાં રહેતો હોવાનું જાણવા મળ્યું હતું. આથી પોલીસે આદિત્યાણા ગામમાં તપાસ કરાવ્યા પછી રાણાવાવ રેલવે સ્ટેશન પાસે રહેતા સતારભાઈ ગુલમોહમ્મદભાઈ નો સંપર્ક કરી માનસિક અસ્થિર યુવાનને તેનો કબજો સોંપી દીધો હતો, અને "પોલીસ પ્રજાનો મિત્ર છે, તે સૂત્ર સાર્થક કરી બતાવ્યું હતું, અને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હોવાથી સતારભાઈ સહિતના લોકોએ લાલપુર પોલીસ નો આભાર માન્યો હતો.