જામનગર શહેરની શાન સમા લાખોટા તળાવનો પાણીથી લબાલબ અલભ્ય નજારો
- બે દિવસના વરસાદના કારણે લાખોટા-રણમલ તળાવના ત્રણેય હિસ્સા છલોછલ ભરાઈને ઓવરફલો થયા
- લાખોટા તળાવના પ્રથમ ભાગમાં 19 ફૂટ પાણી ભરાયું: દોઢ વર્ષ ચાલે તેટલી 25 એમ.સી.એફ.ટી. જળરાશી એકત્ર થઈ
જામનગર,તા.30 સપ્ટેમ્બર 2021,ગુરૂવાર
જામનગર શહેરની શાન સમા લાખેણા લાખોટા તળાવમાં છેલ્લા બે દિવસના વરસાદના કારણે તેમજ ઉપરવાસમાં પડેલા વરસાદને લઈને વિપુલ જળરાશિ એકત્ર થઇ છે, અને લાખોટા-રણમલ તળાવના ત્રણેય હિસ્સા સંપૂર્ણપણે ભરાઇ ગયા છે. અને આજે લાખોટા તળાવ ઓવરફલો થયું છે.
દરેડ તરફથી આવતી કેનાલ મારફતે લાખોટા તળાવમાં જળરાશિ એકત્ર થાય છે અને તળાવના પ્રથમ વિભાગમાં 19 ફૂટ પાણી ભરાઇ જતાં વચ્ચેના લાખોટા મ્યુઝિયમના નીચેના નાલા સંપૂર્ણપણે ડૂબેલા નજરે પડ્યા છે. આ ઉપરાંત રણમલ તળાવના દેરાણી જેઠાણી પાસેના બીજા ભાગમાં પણ પુષ્કળ પ્રમાણમાં જળરાશિ એકત્ર થઇ છે, અને એક તબક્કે પાળી પરથી હાથેથી પાણી લઇ શકાય તેટલી જળરાશિ એકત્ર થઇ છે.
ત્યારબાદ એસટી તરફના તળાવના ત્રીજા ભાગમાં પણ વ્યાપક પ્રમાણમાં જળરાશિ એકત્ર થઇ હોવાથી ખોડીયાર કોલોની તરફ જતી વેસ્ટ પિયરની કેનાલ તેમજ એમ.પી.શાહ કોમર્સ કોલેજ તરફની વેસ્ટ વીયરની કેનાલમાં ઓવરફલો થઇને પાણી જઈ રહ્યું છે. તળાવમાં વધારે પાણીનો જથ્થો સંગ્રહ ન થાય તે માટે અને લેવલ જાળવવાના ભાગ રૂપે વેસ્ટવિયર કેનાલમાંથી બહાર નીકળી શકે તે માટે બે ફૂટ દરવાજા ખોલીને તળાવમાંથી વધારાનું પાણી પણ છોડવામાં આવી રહ્યું છે.
છેલ્લે 2019ની સાલમાં લાખોટા તળાવ ઓવરફ્લો થયું હતું, ત્યાર પછી બે વર્ષના સમયગાળા બાદ 2021ની સાલમાં ફરીથી લાખોટા તળાવ સંપૂર્ણપણે ભરાયું છે. અને તેમાં હાલ 25 એમ.સી.એફ.ટી. જળરાશી એકત્ર થઇ છે. જે જામનગર શહેરના બોર-ડંકીના તળને સાજા રાખવામાં ખૂબ જ મદદરૂપ બનશે, અને તળાવના પ્રથમ હિસ્સામાં દોઢ વર્ષ સુધી ચાલે તેટલો પાણીનો પર્યાપ્ત જથ્થો ઉપલબ્ધ બની ગયો છે.
આજે સવારે ઓવરફ્લો થયેલા લાખોટા તળાવના નયનરમ્ય દ્રશ્યો જોવા માટે વહેલી સવારે વરસાદ રોકાયા પછી અનેક નાગરિકો જોવા માટે ઉમટી પડ્યા હતા, અને જળરાશિથી લબાલબ થયેલા લાખેણા લાખોટાનો નજારો નિહાળીને લોકો હરખાયા હતા.