જામનગરના ચાંપા બેરાજા ગામમાં વીજ પોલ પર કામ કરી રહેલા પર પ્રાંતિય શ્રમિક યુવાનનું નીચે પટકાઈ પડતાં અપમૃત્યુ
image : Freepik
જામનગર,તા.07 માર્ચ 2024,ગુરૂવાર
જામનગર તાલુકાના ચાંપા બેરાજા ગામમાં ચાલી રહેલા ઇલેક્ટ્રીક લાઈનના ફીટીંગના કામ દરમિયાન વીજ પોલ પર ચડીને વાયર બાંધવાનું કામ કરી રહેલા શ્રમિક યુવાનનું વીજ પોલ ભાંગી જતાં નીચે પટકાઈ પડવાથી અપમૃત્યુ થયું છે.
આ બનાવની વિગત એવી છે કે મૂળ રાજસ્થાનનો વતની અને હાલ જામનગર તાલુકાના ચાંપાબેરાજા ગામમાં વીજ પોલ પર વાયર બાંધવાની મજૂરી કામ કરતો યોગેશ બચુરામ સેન નામનો 23 વર્ષનો પરપ્રાંતિય શ્રમિક યુવાન ગત 1 ફેબ્રુઆરીના દિવસે ચાંપાબેરાજા ગામમાં વીજ પોલ પર ઇલેક્ટ્રીક વાયર બાંધવા માટેનું કામ કરી રહ્યો હતો, જે દરમિયાન વિજ પોલ તૂટી જતાં પોતે પોલ સાથે નીચે પટકાયો હતો, અને ઈજાગ્રત બન્યો હતો. જેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા પછી સારવાર દરમિયાન તેનું ગઈકાલે બપોરે મૃત્યુ નીપજ્યું છે.
આ બનાવ અંગે મૃતકના મોટાભાઈ હીરાલાલ બચુરામ સેનએ પોલીસને જાણ કરતાં પંચકોશી બી. ડિવિઝન પોલીસે મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.