જામનગર પાલિકા દ્વારા શહેરમાં જોખમી અને જર્જરિત મકાનોના સર્વેનો થયો પ્રારંભ,16 વોર્ડમાં 15 ટીમો દ્વારા કામગીરી હાથ ધરાશે
image : File Photo
Dilapidated Houses Survey by JMC : જામનગરમાં આગામી ચોમાસાની સિઝનને અનુલક્ષીને શહેરી વિસ્તારમાં આવેલી જોખમી અને જર્જરિત ઇમારતોની જામનગર મહાનગરપાલિકા દ્વારા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે, અને આગામી 15મી મે સુધી આ સમગ્ર કાર્યવાહી ચલાવવામાં આવશે.
જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના કુલ 16 વોર્ડમાં અલગ-અલગ ટિમોને દોડતી કરાવવામાં આવી છે અને જામનગર મહાનગરપાલિકાના સીટી ઇજનેર ભાવેશ જાનીની રાહબરી હેઠળ સમગ્ર શહેરી વિસ્તારમાં સર્વે કરવામાં આવી રહ્યું છે.
જેનો રિપોર્ટ આવી ગયા બાદ જે કોઈપણ જોખમી અથવા જર્જરિત ઇમારત હશે, તેના મકાન માલિકોને તાકીદની નોટિસ પાઠવવામાં આવશે. આગામી ચોમાસાની સિઝન શરૂ થાય તે પહેલાં જામનગર શહેરના મકાન માલિકો કે જેઓની ઇમારતો-મકાનો વગેરે જર્જરિત હાલતમાં હોય અથવા તો જોખમી સ્વરૂપમાં હોય, તે તમામ મકાન માલિકોને પોતાના રહેઠાણ સહિતની ઇમારતોને સેઈફ સ્ટેજે લઈ જવા માટેની તાકીદ કરવામાં આવી છે.
જે મકાન ધારકોને અથવા ઈમારતના માલિકોને નોટિસ પાઠવાયા બાદ પણ કોઈ પ્રક્રિયા હાથ ધરવામાં નહીં આવે, તો મહાનગરપાલિકા દ્વારા તે મકાન માલિકોના ખર્ચે જાતે જ જોખમી ઇમારતોનું ડિમોલીશન કરી નાખવામાં આવશે, તેવી પણ તાકીદ કરવામાં આવી છે.