જામનગરની એસ.ઓ.જી શાખાએ મોડી રાત્રે રંગમતી સોસાયટીમાંથી મેફેડ્રોન પાવડરના જથ્થા સાથે એક શખ્સને ઝડપી લીધો
image : Freepik
જામનગર,તા.20 જાન્યુઆરી 2024,શનિવાર
જામનગરની એસ.ઓ.જી. શાખાની ટુકડીએ નશીલા પદાર્થનો વેપલો કરતા શખ્સોને શોધી કાઢવાની ઝુંબેશના ભાગરૂપે મોડી રાત્રે રંગમતી સોસાયટી વિસ્તારમાં ઓપરેશન હાથ ધર્યું હતું, અને એક શખ્સને રૂપિયા 2 લાખ 80 હજારની કિંમતના મેફેડ્રોન નામક નશીલા પદાર્થ સાથે ઝડપી લીધો છે, અને તેની સામે સીટી એ. ડિવિઝન પોલીસ મથકમાં એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ ગુનો દાખલ કરાવ્યો છે.
આ દરોડાની વિગત એવી જામનગરની એસ.ઓ.જી. શાખા દ્વારા નશીલા પદાર્થ નિર્મૂલન અંગે ખાસ વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે, અને તેનું ગેરકાયદે વેચાણ કરતા શખ્સોને શોધી કાઢવા માટેની કવાયત ચાલી રહી છે, દરમિયાન રંગમતી સોસાયટીમાં રહેતા ઈમ્તિયાઝ જુસબભાઈ ખેરાણી નામના શખ્સ દ્વારા તેના ઘર પાસે ઊભા રહીને માદક પદાર્થનું વેચાણ કરવામાં આવી રહ્યું છે, તેવી ચોક્કસ બાતમી એસ.ઓ.જી. શાખાને મળી હતી. તેથી ગત મોડી રાત્રે એસ.ઓ.જી. ની ટિમ દ્વારા રંગમતી સોસાયટી વિસ્તારમાં ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું.
જ્યાંથી ઈમ્તિયાઝ ખેરાણી નામના સુમરા જ્ઞાતિના શખ્સને ઝડપી લઇ તેની પાસેથી 2,80,000 ની કિંમતનો 28 ગ્રામ મેફેડ્રોન નામનો માદક પદાર્થ અને તેને લગતું સાહિત્ય કબજે કરી લીધું છે, અને તેની અટકાયત કરવામાં આવી છે.
જેની સામે સીટી એ. ડિવિઝન પોલીસ પથકમાં એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ ગુન્હો દાખલ કરાવ્યો છે, અને આ પ્રકરણમાં અન્ય કોણ કોણ સંડોવાયેલું છે, તેમજ માદક પદાર્થ ક્યાંથી આયાત કરાયો છે, જે સમગ્ર હકીકત જાણવા માટે આરોપીને રિમાન્ડ પર લેવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.