જામનગરના રણમલ તળાવ પાર્ટ-2 નો વિકાસ નહીં પરંતુ વિનાશનો પ્રોજેકટ છે : કોંગ્રેસ
Ranmal Lake Jamnagar : જામનગર મહાનગરપાલિકા દ્વારા રણમલ તળાવના પાછલા તળાવ તરીકે ઓળખાતા તળાવનો રૂ.30 કરોડના ખર્ચે વિકાસ પ્રોજેકટ હાથ ધરવામાં આવ્યો છે. આ પ્રોજેકટમાં તળાવ 20 ફૂટ જેટલું બુરી દેવાયાના આક્ષેપ સાથે જામનગર શહેર કોંગ્રેસ દ્વારા આ વિકાસ પ્રોજેકટ નહીં પણ તળાવનો વિનાશ પ્રોજેકટ હોવાનું જણાવી તાકીદે કામ બંધ કરવા તથા આ કામમાં થઈ રહેલા ભ્રષ્ટાચાર અંગે તપાસ કરવા માંગણી કરવામાં આવી છે. મ્યુનિ. કમિશનરને વિસ્તૃત આવેદનપત્ર આપીને જો કામ બંધ કરવામાં નહીં આવે તો પ્રજાહિતમાં કોંગ્રેસ દ્વારા આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી આપવામાં આવી છે.
રણમલ તળાવના જેમાં ભાગ-2, 3 માં 2 કિલોમીટરના સાયકલીંગ ટ્રેક અને વોકિંગ ટ્રેક સહિતના 30 કરોડના વિકાસ પ્રોજેકટ માટે મહાનગરપાલિકાએ તળાવ ઊંડુ ઉતારવા સાથે 10 ફૂટ ઉંચુ અને 20 ફૂટ પહોળો 2 કિલોમીટરની ત્રીજીયાનો પાળ બનાવવાની કામગીરી કરવાની બદલે બહારથી માટી લાવીને છેલ્લા 1 માસમાં ઠાલવી દેવાની પ્રવૃત્તિથી રણમલ અને સુંદર તળાવને બુરીને વિકાસ કરવાની જગ્યાએ વિનાશ થઈ રહ્યો છે. જામનગર મહાનગરપાલિકા 30 કરોડના ખર્ચે તળાવનું કામ કરે છે તેની જગ્યાએ કોર્પોરેશનની અનેક માલિકીના પ્લોટ છે ને ત્યાં કામ કરી શકે છે. તે કરવાની જગ્યાએ તળાવને ઊંડું ઉતારી બ્યુટીફિકેશન નામે ભ્રષ્ટાચાર થાય છે.
આ અંગે વિરોધ પક્ષ દ્વારા તા.02-06-24 ના તળાવની મુલાકાત લેવામાં આવી હતી. જેમાં કામગીરી જોઈને ખૂબ જ મોટો ભ્રષ્ટાચાર અને તળાવની સુંદરતાને બગાડીને વિનાશ થઈ રહ્યો હોવાનું જણાય છે. રાજાએ તળાવની આપેલી ભેટ જનતા માટે છે. જળ સ્ત્રોત માટે આ તળાવ છે. અને સમગ્ર તળાવ 20 ફૂટ જેટલું બુરી નાખવામાં આવ્યું છે અને તંત્રની આ કાર્ય પદ્ધતિના કારણે લોકોમાં અનેક સવાલો ઉઠે છે. તળાવ બુરીને વિકાસ કરવામાં આવતો હોય જેથી લોકોમાં વિરોધ છે અને આગામી નજીકના દિવસોમાં વરસાદ ત્રાટકશે ત્યારે આ ટન બંધ માટીનો કાચો પાળો ધોવાય નહીં જાય તેની શું ખાત્રી?
જામનગરના રણમલ તળાવના પાછલા માગ, જામનગર મહાનગરપાલિકા દ્વારા 10 વર્ષ પહેલા આ તળાવના મુખ્ય ભાગના બ્યુટીફિકેશનના નામે પીંજરામા કેદ કરીને જેમ તેને કોઈપણ વ્યક્તિ એ જોવું પણ હોય તો જામનગર મહાનગરપાલિકા જે (આજે 10 રૂપિયા ચાર્જ છે) ચાર્જ રાખે તે ભરીને જવું પડે છે.
હાલના પાછલા તળાવને અંદરથી બુરીને કરવા માટે સરકાર દ્વારા કરોડોનો પ્રોજેકટ મંજુર કરાવીને તેના અમલ માટે અને તે કરોડોના પ્રોજેકટમાં ભ્રષ્ટાચાર કરી જલદી-જલદી પબ્લિકમાંથી કોઈપણ વાંધા અરજીઓ કે કોર્ટમાં જઈને આવા લોકોના હીત છીનવી લેતા પ્રોજેકટને બંધ કરાવવાની લોક હીતની અરજીઓ કરીને અટકાવે તે પહેલા આ પ્રોજેકટ ઝડપથી પુરો કરવા લાગતા વળગતા કોન્ટ્રાકટરો દ્વારા કામ કરાવવાના આવી રહ્યું છે. જેમ આગળના મુખ્ય તળાવ પર કરેલ પ્રોજેકટથી આજે સામાન્ય માણસ પણ તકલીફ ભોગવી રહ્યો છે, પૈસા ભર્યા વગર અંદર જઈ ન શકે, તળાવની આસપાસમાં થતા કુદરતી હવા, પાણીના દૃશ્યો, કુદરતી વાતાવરણ માણવાના હકક પણ છીનવાઈ ગયા, દેશ વિદેશના સીતેરથી વધારે જાતના પક્ષીઓ પણ આવતા તે બંધ થઈ ગયા. જામનગરની પ્રજાના હૈયાનો હાર, સરકાર દ્વારા છીનવાઈ ગયો તેમ બાકી રહેલા પાછલા તળાવને બુરી ને લોકોના હક્ક છીનવવાનો પ્રોજેકટ થઈ રહ્યો છે. કોન્ટ્રાકટર અને અધિકારીની મીલી ભગતથી મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ કોંગ્રેસે કર્યો છે અને તે અંગે તપાસની માંગણી કરી છે. જો મહાનગરપાલિકા દ્વારા તાકીદે આ કામ રોકવામાં નહીં આવે તો કોંગ્રેસ દ્વારા ઉગ્ર આંદોલનની ચીમકી આપવામાં આવી છે.
આ રજુઆતમાં જામનગર મહાનગરપાલિકાના વિપક્ષના નેતા ધવલભાઈ નંદા, શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા, સિનિયર કોર્પોરેટર અલ્તાફભાઈ ખફી, કાસમભાઈ જોખીયા, સાજીદભાઈ બ્લોચ વગેરે જોડાયા હતા.