જામનગરનાં ઐતિહાસિક સૈફી ટાવરને 100 વર્ષ પૂર્ણ : રોશનીનો શણગાર
વ્હોરાનાં હજીરા તરીકે પ્રસિધ્ધ સ્થાપત્યમાં સમાવિષ્ટ ચોમાસામાં સારો વરસાદ થાય ત્યારે સૈફી ટાવર નદીનાં પાણીમાં જ હોય એવું દ્રશ્ય સર્જાય છે!
જામનગર, : જામનગરનાં નાગેશ્વર વિસ્તારમાં આવેલ વ્હોરાનાં હજીરા તરીકે પ્રસિદ્ધ સ્થાપત્યમાં સમાવિષ્ટ એવા સૈફી ટાવરને 100 વર્ષ પૂર્ણ થયા છે. જેની ઉજવણીનાં ભાગરૂપે ટાવર પર રંગ બેરંગી રોશનીના શણગાર કરવામાં આવ્યા છે. સુભાષ બ્રીજ પરથી આ દ્રશ્ય અત્યંત નયનરમ્ય જોવા મળે છે.
ઉલ્લેખનીય છે કે જ્યારે ચોમાસામાં સારો વરસાદ થાય ત્યારે સૈફી ટાવર નદીનાં પાણીમાં જ હોય એવું દ્રશ્ય જોવા મળે છે. જે નજારો જોવા લોકો ઉમટી પડે છે. દુષ્કાળ પછીનાં વર્ષોમાં જ્યારે આવું થાય ત્યારે આ સૈફી ટાવરનો આ નજારો સંકટનાં સમય પછી 'અચ્છે દીન'નાં આગમનનો જયઘોષ કરતો હોય તેવો ભાવ જાગે છે. એટલે કે સૈફી ટાવર નગરની છેલ્લી એક સદીની તડકી-છાંયડીનો સાક્ષી છે. તેના પર રોશનીનો શણગાર જાણે છેલ્લા દસ દાયકાનાં ઈતિહાસને ઝળહળાવી રહ્યો હોય તેવી પ્રતીતી થાય છે.