જામનગરનો બ્રાસ ઉદ્યોગ આજથી ધમધમતો થયો
- કેટલાક કારખાનાઓમાં સોશિયલ ડિસ્ટન્સની જાળવણીની સાથે સાથે કામકાજ શરૂ કરાયું
- પોલીસ દ્વારા પણ જીઆઇડીસી વિસ્તારમાં કડક બંદોબસ્ત ગોઠવાયો
જામનગર, તા.27 એપ્રિલ 2020, સોમવાર
જામનગર ના જીવાદોરી સમાન બ્રાસ ઉદ્યોગને આજથી ફરી ધમધમતો કરાયો છે. જામનગર શહેર અને આસપાસના વિસ્તારના 256થી વધુ બ્રાસ ઉદ્યોગને શરૂ કરવા માટેની મંજૂરી અપાયા પછી કેટલાક મોટા એકમો આજથી શરૂ થયા છે. અને સરકારી ધારાધોરણોનુ પાલન કરીને ઉદ્યોગ શરૂ કરાયો છે. પોલીસ દ્વારા પણ સમગ્ર જીઆઇડીસી વિસ્તારમાં સજ્જડ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
જામનગર શહેર અને જિલ્લામાં છેલ્લા 34 દિવસથી લોક ડાઉન ચાલી રહ્યું છે ત્યારે વહીવટી તંત્ર દ્વારા બ્રાસના 256 જેટલા એકમોને શરૂ કરવા માટેની શરતી મંજૂરી આપ્યા પછી જીઆઇડીસી ઉદ્યોગ નગર વિસ્તારમાં આજે કેટલાક નાના મોટા બ્રાસપાર્ટના એકમો શરૂ થયા છે. સરકારી તમામ ધારાધોરણ ચુસ્તપણે પાલન થાય તેને ધ્યાનમાં રાખીને ઉદ્યોગકારો દ્વારા સોશિયલ ડિસ્ટનસ રાખીને પોતાના કારખાનામા કામગીરી શરૂ કરાઇ છે.
સમગ્ર જીઆઇડીસી વિસ્તારમા મજુરોની અવરજવરથી અથવા તો લોકોની ભીડ ન થાય અને સોશિયલ ડિસ્ટનસ જળવાયેલું રહે તેના અનુસંધાને પોલીસ દ્વારા પણ સજ્જડ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે અને ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. નજીકના દિવસોમા અન્ય બાકીના બ્રાસના એકમો પણ શરૂ થાય અને કામદારોને રોજીરોટી મળતી થઈ જાય તેવુ ઉદ્યોગકારો ઈચ્છી રહ્યા છે.