જામનગરમાં હિન્દુ સેનાનો આક્ષેપ : વકફ બોર્ડના નામે ગેરકાયદેસર દબાણો તંત્ર ક્યારે કરશે કાર્યવાહી?
Jamnagar News : હિન્દુ સેનાએ ગુજરાતમાં વકફ બોર્ડના નામે થઈ રહેલા ગેરકાયદેસર દબાણો અંગે ગંભીર આક્ષેપો લગાવ્યા છે. સંસ્થાના પ્રમુખ પ્રતિક ભટ્ટના જણાવ્યા મુજબ, રાજ્યના વિવિધ વિસ્તારોમાં ધર્મના નામે મઝાર, દરગાહ, પાણીના પરબ જેવા દબાણો વધી રહ્યા છે. આ દબાણો ખાસ કરીને હિન્દુ વિસ્તારો અને મંદિરોની નજીક ઉભા કરવામાં આવી રહ્યા છે, જેનાથી સ્થાનિક લોકોની મુશ્કેલીઓ વધી રહી છે. ભટ્ટે આક્ષેપ કર્યો છે કે આવા દબાણો રાષ્ટ્ર વિરોધી તત્વો દ્વારા કરવામાં આવી રહ્યા છે અને ભવિષ્યમાં તેઓ રાષ્ટ્રની સુરક્ષા માટે જોખમ પેદા કરી શકે છે.
હિન્દુ સેનાએ તંત્રને આવા દબાણો દૂર કરવા માટે તાત્કાલિક પગલાં ભરવાની માંગ કરી છે. સંસ્થાએ ચેતવણી આપી છે કે જો તંત્રએ આ મામલે કાર્યવાહી ન કરી તો હિન્દુ સમાજનો આક્રોશ વધશે અને તેઓ આવા દબાણો જાતે હટાવવા માટે મજબૂર બનશે. પ્રતિક ભટ્ટે ઉચ્ચ અધિકારીઓને પત્ર લખીને આ મામલે તાકીદે કાર્યવાહી કરવાની અપીલ કરી છે.