જામનગર : જોડીયાના ભાદરામાં હોટલમાં કામ કરતા વેઇટરને ઓવનની સફાઈ કરતા લાગ્યો કરંટ, સ્થળ પર જ કરુણ મૃત્યુ
Jamnagr News : જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના ભાદરા ગામના પાટીયા પાસે આવેલી એક હોટલમાં કામ કરી રહેલા નેપાળી વેઈટરને ઓવનમાંથી વીજ આંચકો લાગ્યો હતો, અને તેનું સ્થળ પર જ કરુણ મૃત્યુ નીપજ્યું છે.
આ બનાવની વિગત એવી છે કે મૂળ નેપાળનો વતની અને હાલ જોડિયા તાલુકાના ભાદરા ગામના પાટીયા પાસે આવેલી દ્વારકાધીશ હોટલમાં રહીને વેઇટર તરીકે કામ કરતો અનિલ ઉર્ફે સુનિલ હુમબહાદુર થાપા નામનો 20 વર્ષનો નેપાળી યુવાન કે જે વેઇટર તરીકે કામ કરતો હતો, અને રસોડામાં સાફ-સફાઈના કામ દરમિયાન તેને ઇલેક્ટ્રીક ઓવનમાંથી એકાએક વીજ આંચકો લાગ્યો હતો, અને ચોંટી જતાં તેનું સ્થળ પર જ કરુણ મૃત્યુ નિપજ્યું હતું. જોડિયાની રેફરલ હોસ્પિટલમાં માત્ર તેનો મૃતદેહ જ પહોંચ્યો હતો.
આ બનાવ અંગે મીનબહાદુર થાપાએ પોલીસને જાણ કરતાં જોડિયાના પોલીસ હેડ કોન્સ્ટેબલ બનાવના સ્થળે તેમજ જોડિયાની હોસ્પિટલમાં પહોંચી ગયા હતા, જયાં નેપાળી યુવાનના મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી, અને મૃતકના પરિવારને તેના વતનમાં જાણ કરવામાં આવી છે.