જામનગર : કાલાવડના નિકાવા તેમજ હરીપર ગામમાં બે ખેડૂતોના હાર્ટ અટેક થી મૃત્યુ નિપજતાં ભારે અરેરાટી

Updated: Dec 12th, 2023


Google NewsGoogle News
જામનગર : કાલાવડના નિકાવા તેમજ હરીપર ગામમાં બે ખેડૂતોના હાર્ટ અટેક થી મૃત્યુ નિપજતાં ભારે અરેરાટી 1 - image

image : Freepik

જામનગર,તા.12 ડિસેમ્બર 2023,મંગળવાર

જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નિકાવા ગામના એક ખેડૂતનું હૃદય બંધ પડી જતાં મૃત્યુ થયું છે. જ્યારે હરિપર ગામના પણ એક ખેડૂતને હાર્ટ એટેક આવી જતાં મૃત્યુ થયું છે.

 જામનગર શહેર અને જિલ્લામાં હાર્ટ એટેકના હુમલાના કારણે મૃત્યુના બનાવો વધી જવા પામ્યા છે, અને ખાસ કરીને યુવા વર્ગમાં મૃત્યુનો દર વધી ગયો છે. દરમિયાન ગઈકાલે કાલાવડ પંથકના બે ખેડૂતોના હૃદય બંધ પડી ગયા છે.

 જે પૈકી કાલાવડ તાલુકાના નીકાવા ગામમાં રહેતા અને ખેતી કામ કરતા પંકજભાઈ રણછોડભાઈ નામના 50 વર્ષના ખેડૂતને ગઈકાલે બપોરે પોતાના ઘેર છાતીમાં દુખાવો ઉપડ્યો હતો, અને તેઓને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જ્યાં તેઓનું હાર્ટ એટેકના કારણે મૃત્યુ થયું હોવાનું તબીબ દ્વારા જાહેર કરાયું હતું.

 આ બનાવ અંગે કાંતિભાઈ ભીખાભાઈ પટેલે પોલીસને જાણ કરતાં કાલાવડ ગ્રામ્ય પોલીસે મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે. આ ઉપરાંત કાલાવડ તાલુકાના હરીપર ગામમાં રહેતા અને ખેતી કામ કરતા પટેલ ખેડૂત બુઝુર્ગ કે જેઓ પોતાની વાડીએ રખોપુ કરવા ગયા હતા, જે દરમિયાન તેઓને એકાએક હાર્ટ એટેક આવી જતાં મૃત્યુ નીપજ્યું છે.

આ બનાવ અંગે સુભાષભાઈ અમૃતભાઈએ પોલીસને જાણ કરતાં કાલાવડ ટાઉન પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતથી કાર્યવાહી હાથ ધરી છે.


Google NewsGoogle News