જામનગર : કાલાવડના પીઠડીયા ગામમાં ડેમમાં કપડાં ધોવા ગયેલા માતા-પુત્રીના ડૂબી જવાના કારણે કરુણ મૃત્યુ
Drowning Death in Jamnagar : જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના પીઠડીયા ગામમાં ભારે કરુણા જનક કિસ્સો બન્યો છે. વેકેશનમાં પોતાના ઘેર રોકાવા માટે આવેલી 10મા ધોરણની વિદ્યાર્થીની માતા સાથે મણવર ડેમમાં કપડાં ધોવા માટે ગયા પછી પુત્રીનો પગ સ્લીપ થયો હતો, અને ડૂબવા લાગી હતી. જેને બચાવવા માટે માતાએ પણ ઝંપલાવી દીધું હતું, અને ડેમના પાણીમાં ડૂબી જવાના કારણે માતા-પુત્રી બંનેના મૃત્યુ નિપજ્યા હોવાથી ભારે કરુણંતીકા સર્જાઈ છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના પીઠડીયા ગામમાં રહેતી અને કાલાવડની હિરપરા કન્યા છાત્રાલયમાં ધોરણ 10 માં અભ્યાસ કરતી હેતવીબહેન વિજયભાઈ ડાંગરિયા નામની 15 વર્ષની વિદ્યાર્થીની, કે જે હાલમાં વેકેશન હોવાથી પોતાના ઘેર રોકાવા માટે આવી હતી, દરમિયાન ગઈકાલે બપોરે માતા રસીલાબેન તેમજ કાકી કાજલબેન સાથે 3.30 વાગ્યાના અરસામાં પીઠડીયા ગામની સીમમાં આવેલા મણવર ડેમ ખાતે કપડાં ધોવા માટે ગયા હતા.
જે દરમિયાન હેતવીનો અકસ્માતે પગ લપસી જતાં ડેમના ઊંડા પાણીમાં ગરકાવ બની હતી. અને બચાવવા માટે તરફડિયા મારી રહી હતી. દરમિયાન તેને બચાવવા માટે માતા રસીલાબેને પણ પાણીમાં ઝંપલાવી દીધું હતું. પરંતુ બંનેને તરતા આવડતું ન હોવાથી અને ડેમમાં પાણી ઊંડું હોવાથી માતા પુત્રી બંને ડૂબી ગયા હતા, અને કરુણ મૃત્યુ નીપજ્યા છે.
આ સમગ્ર બનાવ અંગે મૃતક રસીલાબેનના પતિ અને હેતવીના પિતા વિજયભાઈ છગનભાઈ ડાંગરિયાએ પોલીસને જાણ કરતાં કાલાવડ ગ્રામ્ય પોલીસ બનાવના સ્થળે દોડી ગઈ હતી અને માતા-પુત્રી બંનેના મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે. માતા પુત્રી બંનેના મૃત્યુના બનાવને લઈને નાના એવા પીઠડીયા ગામમાં શોકમગ્ન વાતાવરણ બની ગયું છે.