જામનગર : કાલાવડના આણંદપર ગામમાં ખેડૂતના મકાનમાં થયેલી રૂપિયા 95 લાખની ચોરીનો ભેદ ઉકેલાયો

Updated: Dec 11th, 2023


Google NewsGoogle News
જામનગર : કાલાવડના આણંદપર ગામમાં ખેડૂતના મકાનમાં થયેલી રૂપિયા 95 લાખની ચોરીનો ભેદ ઉકેલાયો 1 - image


- કાલાવડ ગ્રામ્ય પોલીસ તથા એલસીબીની ટીમે ઊંડાણપૂર્વકની તપાસના અંતે બાજુમાં જ દુકાન ધરાવતા વેપારીને રોકડ રકમ સાથે ઝડપી લીધો 

જામનગર,તા.11 ડિસેમ્બર 2023,સોમવાર

જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના આણંદપર ગામના ખેડૂતના રહેણાંક મકાનમાંથી રૂપિયા 95 લાખની રોકડ રકમની ચોરી થઈ હતી, જે ચોરીનો ભેદ ઉકેલવામાં કાલાવડ ગ્રામ્ય પોલીસ અને એલસીબીની ટીમને સફળતા સાંપડી છે, અને બાજુમાં જ દુકાન ધરાવતા એક વેપારીને રૂપિયા 95 લાખની તમામ રોકડ સાથે ઝડપી લીધો છે, અને ગણતરીના દિવસોમાં જ ચોરીનો ભેદ ઉકેલાઈ ગયો છે. પોલીસ દ્વારા આરોપીની વિશેષ પૂછપરછ ચલાવાઇ રહી છે.

 આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે કાલાવડ તાલુકાના આણંદપર ગામના ખેડૂત દિપકભાઈ ભીખાભાઈ જેસડીયાના મકાનમાંથી ગત તારીખ 7.12.2023 ના દિવસે 95 લાખની રોકડ રકમની ચોરી થઈ હતી. પરિવારજનો પ્રસંગમાં બહારગામ ગયા હતા, દરમિયાન પાછળથી કોઈ તસ્કરોએ ધોળા દહાડે મકાનને નિશાન બનાવી લઇ અંદરથી રોકડ રકમ ઉઠાવી ગયા હતા. જે ચોરીની ફરિયાદ નોંધાવ્યા પછી કાલાવડ ગ્રામ્યના PSI એચ.વી.પટેલ દ્વારા સૌપ્રથમ તપાસનો પ્રારંભ કરાયો હતો, ત્યારબાદ એલસીબીની ટીમ તપાસમાં જોડાઈ હતી, અને ઊંડાણપૂર્વકની તપાસ તેમજ ટેકનિકલ સોર્સ અને હ્યુમન રિસોર્સના ઉપયોગના આધારે ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો હતો. 

જે મકાનમાં ચોરી થઈ હતી, તેની બાજુમાં જ આવેલી દુકાન, કે જેના સંચાલક લવજીભાઈ ગોરધનભાઈ ગોરસીયા દ્વારા આ ચોરી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું, અને પોલીસે તેની ઊંડાણપૂર્વકની પૂછપરછ કર્યા પછી આખરે તેણે ચોરી કરી હોવાનું કબૂલી લીધું હતું, અને પોતાના સંબંધીની વાડીના મકાનમાં સંતાડી રાખેલી 95 લાખની રોકડ રકમ પોલીસને સુપ્રત કરી દીધી હતી, અને ગણતરીના દિવસોમાં ચોરીનો ભેદ ઉકેલાઈ ગયો હતો.

પોલીસ દ્વારા આરોપીની ઘનિષ્ઠ પૂછપરછ ચલાવવામાં આવી રહી છે. મકાન માલિકનો પરિવાર પ્રસંગમાં બહારગામ ગયો હતો, દરમિયાન પાછળથી તકનો લાભ લઇ પોતે રકમ વિશે જાણતો હોવાથી દરવાજાના નકુચા તોડી અંદર રહેલી તિજોરીમાંથી રોકડ રકમ ચોરી કરી લીધી હતી, અને પાછો ફરીથી પોતે દુકાનમાં વેપાર કરવા બેસી ગયો હતો. પરંતુ આખરે પોલીસ ની કુનેહ પૂર્વકની પૂછપરછના અંતે પોતે ઝડપાઈ ગયો હતો. 

મકાન માલિકે પરિવારનો સભ્યો ગણ્યો, તેણે જ ખેડૂત પરિવારનો વિશ્વાસ ઘાત કર્યો

 કાલાવડના આણંદપર ગામના ખેડૂત દિપકભાઈ જેસડીયા કે જેના મકાનમાંથી 95 લાખની રોકડની ચોરી થઈ હતી, તેના જ મકાનના એક ભાગમાં દુકાન આવેલી છે, જે દુકાન આરોપી લવજીભાઈ ગોરસીયાને વાપરવા માટે આપી હતી, અને પરિવારના સભ્યોની જેમ જ તેના પર વિશ્વાસ કરીને ઘરની બધી વાતો કરતા હતા.

 ખેડૂત પરિવારને પ્રસંગમાં જવાનું હોવાથી આરોપી વેપારીએ પોતાની જ કાર બહારગામ જવા માટે આપી હતી. જે કારમાં ખેડૂત પરિવાર બહારગામ ગયો, પાછળથી વેપારીએ મકાનમાં હાથ ફેરો કરી લીધો હતો, અને ખેડૂતના ઘરમાં પડેલું તેઓનું બાઈક કે જેમાં જ રોકડ રકમની ચોરી કરીને પોતે ભાગ્યો હતો. જેના સીસીટીવી ફૂટેજ પોલીસને મળી આવ્યા હતા, અને ચોરીનો ભેદ ઉકેલાયો હતો.

આરોપી જુગાર રમવાની ટેવ વાળો હતો' પરંતુ પોલીસે સમયસર ભેદ ઉકેલી નાખી રકમ વાપરતાં બચાવી

 કાલાવડ ગ્રામ્ય પોલીસ અને એલસીબીની ટીમે પકડી પાડેલા આરોપી લવજીભાઈ ગોરસીયા કે જે પોતે જુગાર રમવાની ટેવ વાળો હતો, અને આટલી મોટી રકમ હાથમાં આવી ગઈ હોવાથી તે રકમને જુગારમાં વાપરી નાખે તે પહેલાં જ પોલીસ ટુકડી ત્રાટકી હતી અને તમામ રકમને બચાવી લઈ કબ્જે કરી લીધી હતી.

ચોરીનો ભેદ ઉકેલનાર સમગ્ર પોલીસ ટીમને એસ.પી. તરફથી 5100નો પુરસ્કાર અપાયો

કાલાવડ તાલુકાના આણંદપર ગામના ખેડૂતની ચોરી થયેલી રૂપિયા 95  લાખની તમામ રોકડ રકમ ગણતરીના દિવસોમાં જ રિકવર કરનાર પોલીસ ટીમને જિલ્લા પોલીસવડા દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા, સાથો સાથ તમામ ટીમને રૂપિયા 5,100 નો પુરસ્કાર અપાયો હતો.

 કાલાવડ ગ્રામ્યના PSI એચ.વી.પટેલ અને તેમની ટીમ તેમજ LCB ના PI જે.વી.ચૌધરી અને તેમની સમગ્ર ટીમ વગેરે દ્વારા આ ચોરીનો ભેદ ઉકેલી નાખી પ્રસંશનિય કામગીરી કરી હોવાથી તમામને ભાગે પડતે રૂપિયા 5,100 નો પુરસ્કાર ઇનામ રૂપે એસ.પી પ્રેમસુખ ડેલુ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે.


Google NewsGoogle News