'છોટીકાશી' માં દશામાના વ્રતની પૂર્ણાહુતિ : વાજતે ગાજતે પરંપરાગત રીતે માતાજીને વિદાય આપતા ભક્તો
Jamnagar News : 'છોટીકાશી' જામનગરમાં દરેક ધાર્મિક તહેવાર શ્રદ્ધાપૂર્વક ઉજવાય છે. શ્રાવણ મહિનામાં દશામાનું વ્રત કરવાની પરંપરા છેલ્લા દોઢ દાયકામાં પ્રચલિત બની છે. અષાઢ મહિનાની અમાસથી દશામાનું વ્રત રાખવામાં આવે છે. સાંઢણી પર બિરાજમાન આદ્યશક્તિનાં દિવ્ય રૂપને દશામા તરીકે પૂજવામાં આવે છે.
માતાની મૂર્તિનું સ્થાપન કરી દસ દિવસ સુધી નિયમિત પૂજા-અર્ચના કરી નૈવૈદ્ય ધરાવાય છે. વ્રતધારી મહિલાઓ ઉપવાસ કરે છે. બ્રહ્મભોજન સહિતનાં કાર્યક્રમો પણ યોજાય છે. વ્રતની પૂર્ણાહુતિ પર મધ્યરાત્રિએ દશામાની મૂર્તિનાં વિસર્જન માટે ભક્તો વાજતે ગાજતે જળાશય સુધી જાય છે અને પછી મૂર્તિનું વિસર્જન કરવામાં આવે છે. ગઇકાલે રાત્રે પણ શહેરમાં ભક્તોનાં સમૂહ વિસર્જન માટે નીકળતા રાત્રિનાં નિરવ સન્નાટામાં માતાનો જયઘોષ ગૂંજી ઉઠ્યો હતો. જામનગર શહેરની ભાગોળે આવેલ કબીર લહેર તળાવ તથા શહેરનાં અન્ય સ્થળોએ વ્રતધારી ભક્તો ઉમટ્યા હતાં અને પરંપરાગત રીતે માતાજીની મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું હતું.