જામનગરમાં નશાના કારોબાર પર વધુ શકંજો કસવામાં SOGની ટીમને મળી સફળતા, 2.85 લાખના મેફેડ્રોન પાવડર સાથે બે શખ્સો પકડાયા

Updated: May 28th, 2024


Google NewsGoogle News
જામનગરમાં નશાના કારોબાર પર વધુ શકંજો કસવામાં SOGની ટીમને મળી સફળતા, 2.85 લાખના મેફેડ્રોન પાવડર સાથે બે શખ્સો પકડાયા 1 - image


Drugs Smuggling in Jamnagar : જામનગર જિલ્લા પોલીસવડા પ્રેમસૂખ ડેલુ દ્વારા જામનગર શહેર જિલ્લામાં નશાખોરી રોકવા માટે "નો ડ્રગ્સ ઇન જામનગર" અભિયાન શરૂ કરાયું છે, તે અંતર્ગત એસ.ઓ.જી. ની ટુકડી દ્વારા ચલાવાઇ રહેલા નશા મુક્ત અભિયાનને સાર્થક કરવામાં ગઈકાલે વધુ એક વખત સફળતા સાંપડી છે, અને જામનગરમાં નશીલા પદાર્થ મેંફેડ્રોન પાવડરનો જથ્થો લઈને રાજકોટ થી જામનગર આવી રહેલા બે શખ્સોને અટકાયતમાં લઈ લેવાયા છે, અને તેઓ પાસેથી રૂપિયા 2.85 લાખની કિંમતનો મેફેડ્રોન પાવડર કબજે કરી લેવાયો છે. ઉપરોક્ત ડ્રગ્સ મુંબઈથી આયાત થયું હોવાનું કબુલ્યું હોવાથી મુંબઈના શખ્સને ફરાર જાહેર કરાયો છે.

 જામનગરની એસ.ઓ.જી. શાખાના પી.આઇ. બી.એમ.ચૌધરી, પી.એસ.આઇ. એલ.એમ.ઝેર અને તેમના સ્ટાફ દ્વારા ચોક્કસ બાતમીના આધારે જામનગર- રાજકોટ ધોરી માર્ગ પર વોચ ગોઠવવામાં આવી હતી, અને રાજકોટ થી ખાનગી વાહન મારફતે બે શખ્સ નશીલા પદાર્થનો જથ્થો લઈને જાંબુડા પાટીયા પાસે ઉતરી રહ્યા છે, અને જામનગર તરફ આવી રહ્યા છે, તેવી બાતમીના આધારે વોચ ગોઠવી હતી.

જે દરમિયાન જાંબુડા પાટીયા પાસે બે શખ્સો શંકાસ્પદ હાલતમાં મળી આવતાં તેઓને અટકાવ્યા હતા, અને બંનેના નામ પૂછ્યા હતા. જેમાં એકનું નામ નજીરહુશેન રફીકભાઈ ખફી અને પોતે મસીતિયા ગામનો રહેવાસી તેમજ બીજાનું નામ આમીન હુસેનભાઇ ખફી અને ઢીંચડા ગામનો રહેવાસી હોવાનું જણાવ્યું હતું. જે બંનેની તલાસી લેતાં તેઓ પાસેથી 23 ગ્રામ મેફેડ્રોન પાઉડરનો જથ્થો મળી આવ્યો હતો. જેથી પોલીસે રૂપિયા 2,85,800 ની કિંમતનો નશાકારક મેફેડ્રોન પાવડર કબજે કરી લઈ બંને સામે પંચકોશી એ. ડિવિઝન પોલીસ મથકમાં એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ ગુન્હો દાખલ કરાવ્યો છે. 

જે બંનેની વધુ ચલાવવામાં આવી દરમીયાન બંને એ ઉપરોક્ત જથ્થો મુંબઈના સાહિલ મેમણ પાસેથી આયાત કરાયો હોવાનું કબુલ્યું હોવાથી મુંબઈના સાહિલ મેમણને ફરાર જાહેર કરાયો છે, અને તપાસનો દોર મુંબઈ સુધી લંબાવાયો છે.


Google NewsGoogle News