જામનગરના સચાણા ગામમાંથી વધુ એક બોગસ તબીબ ઝડપાયો : એસ.ઓ.જી. દ્વારા અટકાયત
image : Freepik
જામનગર.તા.29 નવેમ્બર 2023,બુધવાર
જામનગર શહેર અને જિલ્લામાં ડિગ્રી વગરના અનેક તબીબોનો રાફડો ફાટ્યો છે, અને કોઈ પણ પ્રકારની ડિગ્રી મેળવ્યા વિના ગેરકાયદે રીતે તબીબી પ્રેક્ટિસ કરીને લોકોના જન આરોગ્ય સાથે ચેડાં થઈ રહ્યા છે, તેવી માહિતીના આધારે એસ.ઓ.જી. શાખા દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં ઠેર ઠેર ચેકિંગ કરવામાં આવી રહ્યું છે, જે દરમિયાન ગઈકાલે સચાણા ગામમાંથી વધુ એક બોગસ તબીબ એસ.ઓ.જી.ના હાથે ઝડપાઈ ગયો છે.
એસ.ઓ.જી.ની ટુકડી ગઈકાલે સચાણા ગામમાં ચેકિંગ કરી રહી હતી, દરમિયાન તેઓને ધ્યાનમાં આવ્યું હતું, કે સચાણામાં જ રહેતી સકીનાબેન હાશમભાઈ ભગાડ નામની મહિલાનું એક શખ્સ દ્વારા મકાન ભાડે રખાયું છે, અને તેમાં ગેરકાયદે દવાખાનું ચલાવવામાં આવી રહ્યું છે, જે બાતમીના આધારે એસ.ઓ.જી. ની ટુકડીએ દરોડો પાડ્યો હતો.
જે દરોડા દરમિયાન મૂળ બિહાર રાજ્યનો વતની અને હાલ સચાણાંમાં ભાડે મકાન રાખીને રહેતો ઈસ્માઈલ આલમ શેખ નામનો એક બોગસ તબીબ ગરીબ દર્દીઓને તપાસીને જરૂરી દવાઓ આપી તેઓના આરોગ્ય સાથે ચેડાં કરી રહેલો મળી આવ્યો હતો.
એસ.ઓ.જી. ની ટીમ દ્વારા તેની પાસે ડિગ્રીની માંગણી કરતાં પોતે બારનું ધોરણ પણ પાસ ન હોવાનું જણાવ્યું હતું. તેની પાસે કોઈપણ પ્રકારની ડિગ્રી ન હોવાથી એસ.ઓ.જી. ની ટીમ દ્વારા તેની અટકાયત કરી લેવામાં આવી છે, અને તેના દવાખાનામાંથી રૂપિયા 2,206 ની દવા સહિતની સામગ્રી કબજે કરી લેવામાં આવી છે.